વાંકાનેર: ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ‘૧૦૮’ બની દેવદૂત

શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા બાળકને EMT પ્રવીણભાઈ મેર, કિસનભાઈ અને પાયલોટ લાલજીભાઈની ટીમે ઓક્સિજન સપોર્ટ સાથે ગણતરીની મિનિટોમાં મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યું

વાંકાનેર પંથકમાં ૧૦૮ ઇમરજન્સી સેવા અવારનવાર અનેક લોકો માટે જીવનદાતા સાબિત થઈ રહી છે. આજે વધુ એક કિસ્સામાં વાંકાનેર ૧૦૮ની ટીમે પોતાની સતર્કતા અને માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઈલેક્ટ્રિક શૉક લાગવાને કારણે ઓક્સિજનની ગંભીર અછત અનુભવતા માત્ર ૮ મહિનાના બાળકને સમયસર હોસ્પિટલ પહોંચાડીને આ ટીમે નવું જીવન બક્ષ્યું છે.

સવારે અંદાજે ૭:૫૧ વાગ્યે વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ના ડૉ. ધારા મેડમ તરફથી ૧૦૮ ટીમને એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. જેમાં સાહીલ અર્જુનભાઈ ભુરીયા નામના ૮ મહિનાના બાળકને ઈલેક્ટ્રિક શૉક લાગ્યો હોવાથી શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ રહી હતી અને તેની હાલત નાજુક હતી. બાળકની ગંભીર સ્થિતિ જોતા તેને વધુ સારવાર માટે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ રિફર કરવો અનિવાર્ય હતો.
૧૦૮ ટીમની સમયસૂચકતા: કોલ મળતાની સાથે જ વાંકાનેર લોકેશનના EMT પ્રવીણભાઈ મેર, EMT માલકિયા કિસન અને પાયલોટ લાલજીભાઈ પ્રલિયા ગણતરીની પળોમાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. બાળકની નાજુક હાલત જોઈને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ERCP ના ફિઝિશિયન ડૉ. પરમાર સાહેબ ના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ EMT પ્રવીણભાઈ અને કિસનભાઈએ બાળકને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ આપી પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી.

જીવનરક્ષક સફર: ૮ મહિનાના માસુમ બાળક માટે એક-એક સેકન્ડ કિંમતી હતી. પાયલોટ લાલજીભાઈ પ્રલિયાએ ટ્રાફિક વચ્ચે પણ અત્યંત કુશળતાપૂર્વક અને સલામતી સાથે એમ્બ્યુલન્સ હંકારી ખૂબ જ ટૂંકા સમયમાં બાળકને વાંકાનેરથી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યું હતું. ચાલુ એમ્બ્યુલન્સે EMT પ્રવીણભાઈએ બાળકના ઓક્સિજન લેવલ અને વાઈટલ્સ પર સતત દેખરેખ રાખી હતી.
સમયસર સારવાર મળવાને કારણે બાળકનો જીવ બચી ગયો છે. બાળકના પરિવારજનોએ ભીની આંખે ૧૦૮ની ટીમ અને ડોક્ટરોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. વાંકાનેર ૧૦૮ ટીમની આ કામગીરીની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે.