વાંકાનેરના ૧૬ માં મહારાણા રાજવી કેશરીદેવસિંહજીની આજે રાજતિલક વિધિ અને રાજ્યાભિષેકના રૂડા અવસરે વાંકાનેર પંથકમાં હરખની હેલી જોવા મળી હતી રાજ્યાભિષેક બાદ મહારાણાની નગરયાત્રામાં નગરજનો જોડાયા હતા અને ઠેર ઠેર મહારાણાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલાની રાજતિલક વિધિ મહોત્સવની ધામધૂમથી શાહી પરંપરા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અને સમગ્ર વાંકાનેર પંથક જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યું હોય તે શુભ દિવસ આજે આવ્યો હતો જયારે વાંકાનેરના ૧૬ માં મહારાણાની રાજ તિલક વિધિ જુના દરબાર ગઢ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો સંતો, મહંતો અને રાજના ગોર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે રાજ તિલક વિધિ અને રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો.
જે રાજ્યાભિષેક બાદ મહારાણાની નગરયાત્રા યોજાઈ હતી જેમાં બેન્ડ બાજા અને ઢોલ નગારા સાથે વિન્ટેજ કાર,બગી અને શણગાર સજેલા ઘોડા તેમજ ક્ષત્રીય સમાજના પરંપરાગત પોશાક પાઘડી અને સાફા સાથે નગરયાત્રા યોજાઈ હતી જે નગરયાત્રા જુના દરબારગઢથી પ્રસ્થાન થયા બાદ લુહાર શેરી, મેઈન બજાર, ચાવડી ચોક, માર્કેટ ચોકથી દીવાનપરામાં શ્રી અમરસિંહજી બાપુના બાવલા સ્ટેચ્યુ ચોક પહોંચી હતી. જ્યાં રાજવી અમરસિંહજી બાપુની પ્રતિમાને નામદાર મહારાણા રાજ સાહેબ દ્વારા પુષ્પહાર પહેરાવી ભાવવંદના કરવામાં આવી હતી.