પતિએ ઝઘડો કરી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી, અભયમની ટીમે સમાધાન કરાવી, 8 માસની બાળકી સાથે માતાનું મિલન કરાવ્યું
મોરબી: મહિલાઓ માટે હંમેશા કાર્યરત 181 મહિલા હેલ્પલાઇન અભયમ ટીમે ફરી એક વાર કાબિલ – એ – દાદ કામગીરી કરી છે. મોરબીમાંથી સામે આવેલ એક કિસ્સામાં પતિએ ઝઘડો કરી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જોકે અભયમની ટીમે સમાધાન કરાવી 8 માસની બાળકી સાથે માતાનું મિલન કરાવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ એક 30 વર્ષીય મહિલાએ 181માં કોલ કરી મદદ માંગતા અભયમ ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ કોકિલાબેન, પાયલોટ મિતેષભાઈ સહિતના મહિલાની મદદે દોડી ગયા હતા. કાઉન્સિલર મનિષા પરમારે પીડિત મહિલાનું કાઉન્સેલીંગ કર્યું હતું અને મદદની પુરી ખાતરી આપતા મહિલાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન દોઢેક વર્ષ પહેલાં પંચાસર રોડ પર રહેતા 32 વર્ષીય યુવાન સાથે થયા હતા. તેમના પતિ રીક્ષા ચલાવે છે. તેમને લગ્ન સંસારમાં એક દીકરીનો જન્મ થયો હતો. જે હાલ 8 માસની છે. ત્રણ દિવસ પહેલા પતિ સાથે ઝઘડો થતા તેણે ઘરમાંથી કાઢી મુકતા મહિલા વાવડી રોડ પર રહેતા પોતાના પિયરમાં આવી ગઈ હતી. પતિએ આઠ માસની દીકરીને પણ લઈ જવા દીધી નહોતી.
મહિલાએ પોતાની હકીકતનું વર્ણન કરતા અભયમ ટીમ મહિલાને લઈ પંચાસર રોડ પર આવેલા તેમના ઘરે પહોંચી હતી. જ્યાં મહિલાના પતિ અને નણંદ હાજર હતા. તેમનું કાઉન્સેલિંગ કરી સૌપ્રથમ 8 માસની બાળકી માતાને સોંપી દેવા સમજાવતા, બાળકી માતાને સોંપી દેવામાં આવી હતી. બાળકીનું માતા સાથે મિલન થતા માતાની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યા હતા, તેણીએ અભયમ ટીમનો આભાર માનેલ હતો.
આ તરફ અભયમ ટીમ દ્વારા પતિનું કાઉન્સીલિંગ કરતા પતિએ પોતાનો બચાવ કર્યો હતો કે, મેં મારી પત્નીને કાઢી મૂકી નહોતી, પરંતુ તે પોતાની રીતે જ બાળકને મૂકીને જતી રહી હતી. બન્ને પક્ષને સાંભળ્યા બાદ જાણવા મળેલ કે પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતમાં ઝઘડા થતા હતા. જેથી બન્નેને સુખદ સમાધાન માટે સમજાવતા બન્ને સમાધાન માટે પણ તૈયાર થયા હતા.
આમ, અભયમની ટીમે એક માતાનું દીકરી સાથે મિલન કરાવવાની સાથે દંપતીના સુખી જીવન માટે સમાધાન કરવા માટે પણ તૈયાર કર્યા હતા.