હળવદ : શાળામાં 1 લાખથી વધુનું દાન આપી સમાજને નવો રાહ બતાવતો ગોઠી પરિવાર

સ્વ.લલિતાબેન ચમનભાઇ ગોઠી સ્વ.ચમનભાઈ ગાંડુભાઈ ગોઠી કણબીપરાના બંને દીકરાઓ ધમેન્દ્રભાઇ ચમનભાઇ ગોઠી અને પંકજભાઈ ચમનભાઇ ગોઠીએ માતા-પિતાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પતા શ્રી પે સે.શાળા નંબર-4 હળવદ ખાતે બાળકોને ઉપયોગી સ્માર્ટ કલાસ બનાવવા માટે 1,11,111(એક લાખ,અગિયાર હજાર,એક સો એક)રૂપિયા રોકડા દાન આપીને સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે ત્યારે ધોરણ-8માં એક વર્ગખંડમાં વ્યુ સોનિક કંપનીનું શોર્ટ થ્રો પ્રોજેક્ટર,ગીગા બાઈટ કંપનીના 2 મીની સી.પી.યુ., તથા સ્માર્ટ ટચ ઇન્ટરેક્ટિવ વાઈટ બોર્ડ તથા એન્ડ્રોઈડ ડિવાઇસ,પોઇન્ટર,વાયરલેસ માઉસ તથા કિ-બોર્ડ વગેરે આધુનિક ટેકનોલોજી લઈ આપીને આખો કલાસ સ્માર્ટ વર્ગખંડમાં નિર્માણ કરાવી આપ્યો હતો.

આ તકે દાતાઓને શાળામાં બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે સ્વ.ચમનભાઈ ગાંડુભાઈ ગોઠીના બંને પુત્રો ધર્મેન્દ્રભાઈ તથા પંકજભાઈને શાળા પરિવાર વતી પુષ્પગુચ્છ આપી તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના શિક્ષક વાસુદેવભાઈ ભોરણિયાએ જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો દાન અન્ય ઘણી જગ્યાઓએ કરતા હોય છે પરંતુ આ બંને દીકરાઓ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય અને અમારી પાસે ભણેલ હોય શાળા પ્રત્યે લાગણી હોય શાળાને આવડી મોટી માતબર રકમ દાન આપી એ અન્ય વિદ્યાર્થીઓ અને લોકો માટે પ્રેરણા સમાન બની રહેશે.

અંતમાં હરજીવનભાઈ પરમાર દ્વારા આવેલ અતિથિઓની આભારવિધિ કરવામાં આવી હતી.આ તકે શાળા પરિવાર વતી શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયાએ દાતા પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

વિશાલ જયસ્વાલ હળવદ