ડીજેના તાલે રંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો : બાળાઓએ રંગોના પર્વ ધુળેટીને મન ભરીને માણ્યો
મોરબી : મોરબીમાં તહેવારોની અનોખી ઉજવણી માટે જાણીતા યંગ ઇન્ડિયા ગૃપ ધુળેટીની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગૃપના સભ્યોએ વિકાસ વિદ્યાલયની બાળાઓ માટે ખાસ ડીજેના તાલે ધુળેટી રમવાનું આયોજન કરી પર્વને દિપાવ્યો હતો.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. આ વર્ષે એ પરંપરાના ભાગરૂપે ધુળેટીના પાવન અવસર પર વિકાસ વિદ્યાલયની બાળાઓને “રંગ ઉત્સવ” કાર્યક્રમ અંતર્ગત ડી.જેના તાલે ધુળેટી રમાડવામાં આવી હતી. અધર્મ પર ધર્મના વિજયરૂપે ઉજવાતા હોળી ધુળેટીના રંગોત્સવમાં જ્ઞાતિ જાતિના તમામ ભેદભાવ દૂર રાખીને પ્રેમમય સમરસતા અને સમાનતાના સથવારે મૈત્રીભાવ પ્રગટ કરાવનાર આ ઉત્સવને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ વિકાસ વિદ્યાલયની બાળાઓ માટે ઉજવવામાં આવ્યો હતો.
જેમાં બાળાઓ મન મુકીને ડીજેના તાલે અને રંગોથી રમી હતી. આ તકે આ કાર્યક્રમમાં યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગમાં સભ્યો તેમજ જજ ચુનોતી, મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા, બી ડિવિઝન પીઆઇ વિરલ પટેલ સહિતના અધિકારીઓ તેમજ વિકાસ વિધાયલના સંચાલક ભરતભાઈ નિમાવત તથા સ્ટાફ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.