મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અંદાજીત રૂપિયા ૮૨૧.૪૬ લાખના ૨૯૦ વિકાસનાં કામો મંજૂર

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

જિલ્લા પ્રભારીમંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્‍થાને આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની યોજના અંતર્ગત ૨૦૨૨-૨૩નાં વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રકમ રૂ.૮૨૧.૪૬ લાખના ૨૯૦ વિકાસના કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું.

પ્રભારીમંત્રી દેવાભાઇ માલમે આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી-પદાધિકારીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારીના કામો પૈકી પીવાના પાણી, રસ્તા, ગટર, પ્રાથમિક શિક્ષણ, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય જેવી સુવિધાઓને લગતા અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપી મંજુર કરવા અનુરોધ કર્યો હતો.

આ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક અગત્યતા ધરાવતાં કામો જેવા કે, પેવર બ્લોક, સી.સી. રોડના કામો, કોઝ-વેના કામો, નાળાના કામો, ગટરનાં કામો, પીવાનાં પાણીની પાઈપલાઈનનાં કામો, પુર સંરક્ષણ દિવાલ, સ્મશાન/કબ્રસ્તાનનાં કામો, પ્રાથમિક શાળામાં ખુંટતી સુવિધાના કામો, આંગણવાડીમાં ખૂંટતી સુવિધાના કામો, ગ્રામ્ય વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના કામો, નગરપાલિકા વિસ્તારમાં ઘન કચરા નિકાલ માટે મીની ટ્રેકટર, પાણીના ટેન્કર વગેરે કામો મંજુર કરવામાં આવેલ.

મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલે સ્થાનિક કક્ષાએ પ્રાથમિક્તા ધરાવતા લોક સુવિધાના કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્‍લાન એસ્‍ટીમેટ આગામી ૧(એક) માસ સુધીમાં રજૂ કરી, આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી જે.કે. બગીયાએ વર્ષ:૨૦૨૨-૨૩ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળમાં રજૂ કર્યું હતુ. આયોજન મંડળની આ બેઠકમા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇણ મેરજા, સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત અને નગરપાલિકા પ્રમુખઓ, સામજિક ન્યાય સમિતિના ચેરમેન અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.