હળવદ : વાકિયા ગામે પાણીના પ્રશ્નો બાબતે 11 ગામના ખેડૂતોની બેઠક મળી

વિશાલ જયસ્વાલ દ્વારા :  હળવદના છેવાડાના ગામોમાં વર્ષોથી નર્મદાના સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન ઉભો છે અને અવારનવાર ખેડૂતો દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાં બહેરા કાને ખેડુતોનો અવાજ નહી સાંભળતાં આખરે ખેડુતોએ જાતેજ બીડુ ઝડપી લીધું છે અને છેવાડાના 11 ગામના ખેડુતોએ સિંચાઈના પાણી માટે કોઈ પણ રીતે લડી લેવાની હાકલ સાથે વાંકીયા ગામમાં ખેડુતોનુ સંમેલન મળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી અને રણનીતિ ઘડવામાં આવી હતી.

હળવદના વાકીયા ગામે મોડી સાંજે ખેડુતોની બેઠક મળી હતી અને આ વિસ્તાર રકાબી જેવો હોય અને છેવાડાનો વિસ્તાર હોવાથી પાણીની સમસ્યા અને ખેડૂતો દ્વારા અવારનવાર ખેતી પાકો નિષ્ફળ જવાની રાવ કરીને સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને રટણ કરીને થાક્યા બાદ હવે ખેડૂતો જ પોતાના હક માટે છેક દિલ્હી સુધી લડત ચલાવી લેવાની રણનીતિ ઘડવા માટે સંમેલન મળ્યું હતું જેમાં રાતાભે, વાંકીયા, સમલી,ઓળ,માથક,ચુપણી,માણેકવાડા, ખેચરડી,ડુંગર પુર,શિવપુર,ચુપણી સહિતના ગામોના ખેડૂતો અને સરપંચો એકઠા થયા હતા.

હળવદના છેવાડાના ગામોમાં નર્મદાના પાણી આપવા માટે જુદી જુદી રીતે ખેડુતો દ્વારા સ્થાનિક નેતાઓને રજૂઆત કરવામાં આવી છે અને હજુ સુધી કોઈ પણ જાતની હૈયાધારણ આપવામાં નહી આવતા બિનરાજકીય સંગઠન બનાવવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં સિંચાઈના પાણી માટે લડત કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.