વિશાલ જયસ્વાલ દ્વારા : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બેચરાજી શાખા અને નર્મદાબા હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે એચ.કે.બ્લડ બેંક, પાટણનાં સહયોગથી તાજેતરમાં આવેલ શહીદ દીન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તારીખ ૨૭-૦૩-૨૦૨૨ ને રવિવારે નર્મદાબા હોસ્પિટલ બેચરાજી ખાતે સ્વૈરિછક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડલ તાલુકાના કાચરોલ ગામનાં વતની અને ઉમિયા સંકુલ માંડલ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા આપતા અને જેમણે આજીવન સેવાનો ભેખ ધારણ કર્યો છે એવા સેવાધારી શિક્ષક ડૉ. મહેન્દ્ર પટેલે ૮૫ મી વખત રક્તદાન કરી કાચરોલ ગામનું ગૌરવ વધાર્યું છે, તેઓ છેલ્લાં ત્રીસ વર્ષથી વિવિધ સામાજિક સેવાઓ સાથે જોડાયેલા છે અને સમગ્ર ગુજરાતમાં કોઈને પણ રક્તની જરૂરિયાત પડે ત્યારે રક્ત પુરૂ પાડે છે.
તેમણે કોરોના નાં કપરા કાળમાં પણ રક્તની સેવા સાથે સાથે બિનવારસી તથા જે સંજોગોમાં પોતાના સગા વ્હાલા પણ જેમને સ્વિકારવા તૈયાર નહોતા તેવી બિન વારસી લાશોનાં અગ્નિસંસ્કાર કરી માનવ સેવા નો એક ઉમદા દાખલો પુરો પાડ્યો છે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય નાં પૂર્વ ગૃહમંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ નાં મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ નાં વરદ હસ્તે પ્રમાણપત્ર તથા ગીફ્ટ આપી ડૉ. મહેન્દ્ર પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જિલ્લા પ્રમુખ નિકુલભાઈ પટેલ, નગરમંત્રી કિશનસિંહ ઝાલા, અજય સાધુ, નર્મદાબા હોસ્પિટલ બેચરાજી નાં ડાયરેકટર વિ.વિ. બ્રહ્મભટ્ટ સાહેબ, સદારામ બ્લડ સેવા સમિતિ બેચરાજી નાં પ્રવિણજી ઠાકોર, બેચરાજી નાં સરપંચ દેવાંગભાઈ પંડ્યા, ચાંદણકી ગામનાં સરપંચ પૂનમભાઈ પટેલ તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં બધા હોદ્દેદારો એ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો
ડૉ. મહેન્દ્ર પટેલ ની પ્રેરણા લઈને લાલભાઈ સોલંકી એ પણ નિયમિત રક્તદાન કરવાનો નિયમ લઈ તેમણે પણ આઠમી વખત રક્તદાન કર્યું હતું. રજનીભાઈ પટેલ તથા બધા મહેમાનોએ શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ નાં ફોટાને ફુલ અર્પણ કરી સ્મરણાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમને અંતે કિશનસિંહ ઝાલાએ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો