આપત્તિ વેળાએ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી જિલ્લાના આપદા મિત્રો તૈયાર
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના ૧૭ જિલ્લાઓમાં અપસ્કેલીંગ આપદા મિત્ર તાલીમ યોજના ચાલુ છે. આ યોજના હેઠળ મોરબી જિલ્લાનો પણ સમાવેશ થયેલ છે.
અપસ્કેલીંગ આપદા મિત્ર તાલીમ હેઠળ મોરબી જિલ્લાના ૫૬ જેટલા આપદા મિત્રોની રાજકોટ ખાતે ૧૨ દિવસની સઘન તાલીમ પૂર્ણ કરવામાં આવી છે. કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વેળાએ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ આપદા મિત્રોને સઘન તાલીમ આપવામાં આવી છે. હાલમાં જ મોરબીના આપદા મિત્રોને એસડીઆરએફ ગૃપ-૧૩, રાજકોટ ખાતે ૧૨ દિવસની નિવાસી તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.
તાલીમાર્થીઓને તાલીમ દરમિયાન રાહત, સહાય, પુર, વાવાઝોડુ, ભૂકંપ, દુષ્કાળ, સુનામી જેવી આફત કે જોખમ સમયે વ્યવસ્થાપન, શોધ અને બચાવ/પ્રાથમિક સારવાર, જન જાગૃતિ જેવા કાર્યક્રમો અંગેની જાણકારી આપવામાં આવી હતી.