લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા મોરબી જિલ્લામાં “બ્લોક હેલ્થ મેળા” યોજાશે

મોરબીઃ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તા.૧૮/૦૪/૨૦૨૨ થી તા.૨૨/૦૪/૨૦૨૨ દરમ્યાન દરેક તાલુકાઓમાં “બ્લોક હેલ્થ મેળા” નાં આયોજન કરવા માટે આપવામાં આવેલ સૂચના અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં જુદા-જુદા તાલુકાઓમાં તાલુકા કક્ષાએ આરોગ્ય મેળા યોજવા માટેનું આયોજન કરાયેલ છે.

જે અનુસાર તા.૨૧/૦૪/૨૦૨૨ના રોજ મોરબી તાલુકામાં સરકારી હોસ્પિટલ મોરબી  ખાતે, માળિયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે તેમજ વાંકાનેર તાલુકામાં સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર ખાતે, તારીખ ૨૨/૪/૨૦૨૨ નાં રોજ ટંકારા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે અને હળવદ તાલુકામાં સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ ખાતે આરોગ્ય મેળા યોજાનાર છે. આ મેળામાં વધુમાં વધુ લાભાર્થીઓએ  લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઈ ટમારિયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાનાં લોકોને  અપીલ કરવામાં આવેલ છે.

આ મેળામાં લાભાર્થીઓને યુનિક હેલ્થ આઈ.ડી.કાર્ડ,PMJAY કાર્ડ કાઢી આપવામાં આવશે.જે માટે લાભાર્થીનું આઘાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો(ચાલુ નાણાકીય વર્ષથી ત્રણ વર્ષ જૂનો નહી) જેવા ડોક્યુંમેન્ટ સાથે જે વ્યકિતનું કાર્ડ કઢાવવાનું હોય તેને રૂબરૂ આવવાનું રહેશે. જુદા જુદા તબીબી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિદાન, લેબોરેટરી સેવાઓ, મફત દવાઓ અને મફત સારવાર તેમજ જરૂર જણાયે રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે. નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબીટીસ, બી.પી, કેન્સર, માનસિક રોગોનું નિદાન, ચેપી રોગો અને બિનચેપી રોગોનાં અટકાયતી ઉપાયો વિષે આરોગ્ય જાગૃતિ માટે લોકોને માહિતી પૂરી પાડવામાં આવશે.

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જુદી જુદી આરોગ્ય સેવાઓ અને જાણકારી પૂરી પાડવામાં આવશે. પ્રજનન અને બાળ આરોગ્ય, કુટુંબ કલ્યાણ, શાળા આરોગ્ય, વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, ટી.બી.મુક્ત ભારત વિગેરે વિષે જન જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે. તમાકુ, આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન તથા અંધાપા નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતીયાનું નિદાન અને જરૂરી રેફરલ સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે. તેમ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે