સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા સાત માસમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે રૂપિયા ૧૪૨ કરોડની મસમોટી પાવર ચોરી પકડી પાડવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લામાં સપ્ટેમ્બર ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ સુધીમાં કુલ ૫૬૮૩૦ જેટલા વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા જેમાંથી ૪૬૭૧ જોડાણોમાં વીજચોરી ઝડપાઇ હતી.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.હેઠળની પશ્ચિમ ગુજરાત વીજ કંપની હેઠળ વીજ લોસીસ ઘટાડવા માટે છેલ્લા સાત માસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર – કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરઓ અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરઓની દેખરેખ હેઠળ સપ્ટેમ્બર -૨૧ થી માર્ચ -૨૨ દરમ્યાન કુલ ૫,૫૪,૬૯૩ વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાંથી કુલ ૬૬,૫૧૯ વીજ જોડાણોમાં વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલ જેની અંદાજીત રકમ રૂ . ૧૪૨- કરોડ થવા પામેલ છે. પીજીવીસીએલ દ્વારા છેલ્લા સાત માસમાં રૂ. ૧૦ લાખથી વધુની રકમના કુલ ૮૬ વીજ ચોરી અંગે પુરવણી બીલો આપવામાં આવેલ છે. જેમાં રૂ. ૪૦ લાખથી વધુના કુલ ૧૭ પુરવણી બીલો આપવામાં આવેલ છે. જયારે રૂ. ૧ લાખથી ૧૦ લાખ સુધીના કુલ ૧૩૫૨ વીજ ચોરી અંગેના પુરવાણી બીલો આપવામાં આવેલ છે.
મોરબી વર્તુળ કચેરી હેઠળના 56830 ઘરોમાં ચેકીંગ દરમીયાન 4671 જોડાણોમાં વીજચોરી મામૂલ પડતા રૂપિયા 1377.50.લાખ ની આકારણી થવા પામી છે.પીજીવીસીએલ હેઠળ વિજીલન્સ વિભાગ તથા સબ ડીવીઝન ડીવીઝનના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા વીજ ચોરી ડામવા માટે સતત કામગીરીઓ કરવામાં આવી રહી છે. આ ચેકીંગ દરમિયાન પીજીવીસીએલ હેઠળ ખાસ કરીને ઇલેક્ટ્રિક નેટવર્કમાંથી સીધા જ વીજ જોડાણ લેવા,મીટર સાથે-સીલ સાથે ચેડા કરવા, મીટર ડિસ્પ્લે બાળી નાખવા મીટરને બાળી નાખવા વગેરે કૃત્યોથી પાવર ચોરી કરવામાં કિસ્સાઓ વધુ પ્રમાણમાં જોવા મળેલ છે. વીજ ચોરી અંગે સ્થાનિક કચેરીનો ટેલિફોનિક સંપર્ક સાંધી વીજ ચોરી અંગે માહિતી આપવા પીજીવીસીએલ દ્વારા અપીલ કરાઈ છે.