ભૂતિયા કનેક્શનોને દૂર કરવા અધિકારીઓને તાકીદ કરાઇ
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના કુંભારીયા ગામે પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ અંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અંગત રસ લઇને અધિકારીઓને સાથે રાખીને ગ્રામજનો સાથે બેઠક કરીને તાત્કાલીક પાણી વિતરણના પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું હતું.
ગત તા. ૨૧ એપ્રિલના ગુરુવારે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સંબંધિત અધિકારીઓને સાથે રાખીને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પાણી પ્રશ્ને ગ્રામજનોના પ્રશ્નો અને ઉકેલ બાબતે વ્યાપક ચર્ચા વિચારણા હાથ ધરીને સમસ્યાનું નિવારણ લાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
કુંભારીયા ગામમાં આવતી પાઇપ લાઇનમાં વચ્ચે ૩૦૦ મિટર સુધી પાણીની લાઇનમાં ફોલ્ટ આવી ગયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. પાણીની લાઇન ચોક-અપ થઇ ગઇ હોય તેને ચેક કરવા અને સંપમાં પૂરતું પાણી આપવા માટે પાણી પૂરવઠા બોર્ડને તાકીદ કરી હતી અને સંપમાંથી ઘરે-ઘરે પાણી આપવાની જવાબદારી ગ્રામ પંચાયતે નિભાવવી પડશે તેમ મંત્રીશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું.
પાઇપ લાઇનમાં ભૂતિયા કનેક્શનોને દૂર કરવા અંગે ગ્રામજનોની રજૂઆતને પગલે મંત્રીએ મામલતદારને ભૂતિયા કનેક્શન ધારકો સામે પોલીસ કેસ કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી વાય.એમ.વાંકાણી, મામલતદાર ડી.સી.પરમાર, તાલુકા વિકાસ અધિકારી આર.એ.કોંઢીયા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.