મંત્રી બ્રિજેશભાઇ મેરજાના મોરબી પ્રવાસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા

મોરબી-માળીયા પંથકના પ્રવાસ દરમિયાન મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા

મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વાતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીના બે દિવસના પોતાના પ્રવાસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા.

ગત તા. 27 તેમજ 28 એપ્રિલ દરમિયાન મોરબી-માળીયા પંથકના પ્રવાસ દરમિયાન મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ છેલ્લા બે દિવસમાં તેઓના પ્રવાસ દરમિયાન મોરબીના નાગરિકોના જુદા જુદા ખાતાને લગતા પ્રશ્નો સાંભળ્યા અને તેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપતી હતી.

મોરબી ખાતે નવનિર્માણ પામી રહેલ સ્વામીનારાયણ મંદિરની પ્રથમ સ્તંભ વિધિમાં ભાગ લઈ મનનીય પ્રવચન કર્યું હતું. તેમણે પ્રમુખ સ્વામી મહારાજ સાથેના તેમના સંસ્મરણોને જીવંત કર્યા હતા.

વાંકાનેર નજીક સમર્પણ આશ્રમની મુલાકાત લઈ ધ્યાન શિબિરમાં જોડાયા હતા. તેમજ શ્રી શિવ કૃપાનંદ સ્વામી સાથે આદ્યાત્મિક સંવાદ કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. મોરબી જલારામ મંદિર ખાતે પૂ. રત્નકુંવરબાના વ્યાસપીઠે યોજાયેલ ભાગવત કથા કાર્યક્રમમાં સામેલ થઈ કથાનું રસપાન કર્યું હતું.

રઘુવંશી સમાજના લોહાણા સમાજની કથામાં વ્યાસાશને બિરાજેલા અનીલ શાસ્ત્રીજીનું સન્માન કરી કથા શ્રાવકો સમક્ષ મંત્રીએ પોતાના આદ્યાત્મિક વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ લખધીર વ્યાસ યુવા મંડળ પ્રાયોજિત કથામાં ઉપસ્થિત રહી નિખિલ શાસ્ત્રીજીની વાણીનો લાભ મેળવ્યો હતો. ત્યારબાદ મોરબીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.

મોરબીમાં ચાલી રહેલ હનુમાન ચાલીસા કથામાં ખાસ ઉપસ્થિત રહી સ્વામીશ્રી પ્રેરક વાણીનો લાભ લીધો હતો તથા મોરબી કોળી સમાજના માંડવામાં ઉપસ્થિત રહ્યા હતા. મોરબી સર્કીટ હાઉસ ખાતે રંગપર, જેતપર, લુંટાવદર, તળાવીયા, ત્રાજપર, શનાળા સહિતના વિવિધ ગામોના આગેવાનો સાથે તેમજ મોરબી સહિતના નાગરિકો સાથે જુદા જુદા પ્રશ્નો સાંભળી-સંવાદ કરીને યોગ્ય ઉકેલ માટે સંબંધીતોને તાકીદ કરી હતી.

મોરબી ખાતે પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમારના શતાબ્દી કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

માળીયા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 40 બાળકોને કુપોષિત કરવા તેમજ ગરીબોને અપાતું મફત રાશનની કીટનું વિતરણ જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું હતું., માળીયા ખાતે રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ માળીયાથી પસાર થતા લાંબા અંતરની ટ્રેનોને માળીયા સ્ટોપેજ સંબંધિત અધિકારીઓને રજૂઆત તેમજ આ અંગે વિવિધ જાણકારી મેળવી હતી.

માળીયા ખાતે પીવાના પાણીના કાર્યપાલક ઈજનેર, નાયબ કલેકટર તેમજ સંબંધિત વ્યક્તિઓ અને ગામોના આગેવાનો સાથે પાણીની સમસ્યા તાત્કાલિક નિરાકરણ થાય તે માટે સંબંધિતોને સૂચના આપી હતી.

આમ, મંત્રી બ્રિજેશ મેરજા મોરબી માળીયાના બે દિવસના સઘન પ્રવાસ દરમિયાન જીવંત લોકસંપર્ક કેળવ્યો હતો.