મોરબી : જૂની અદાવતમાં યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરનાર બે આરોપીઓને આજીવન કેદ

મોરબી જિલ્લામાં માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે વર્ષ ૨૦૧૬ માં જૂની અદાવતનો ખાર રાખી બે આરોપીઓએ એક યુવાનની છરીના ઘા ઝીકી હીંચકારી હત્યા કરી નાંખવાના અંગેના કેસમાં આજે નામદાર મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા હત્યાના ગંભીર બનાવમાં મહત્વપૂર્ણ ચુકાદો આપી બન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસની વિગત એવી છે કે, માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અને ખેતીકામ કરતા વસુભાઈ જેસંગભાઈ મેયડ ગત ગઇ તારીખ૨૬-૪-૨૦૧૬ ના રોજ રાત્રીના સમયે ઘરે વાળું પાણી કરી તેમના ભત્રીજા દિપકભાઈ ધીરુભાઈ મૈયડ તથા અન્ય વ્યક્તિઓ સાથે ગામના ઝાપા પાસે બેઠા હતા. દરમિયાન રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ તેમના જ ગામના દિવ્યરાજસિંહ જયુંભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભાઈ જાડેજા ત્યાં આવી દીપકભાઈને થોડે દુર લઈ જઈ પાંચ વર્ષ પહેલાં થયેલી માથાકૂટનો ખાર રાખી આ બન્ને આરોપીઓ દીપકભાઈ ઉપર છરી વડે તૂટી પડ્યા હતા.

છરીના ઘા ઝીકતા દીપકભાઈએ રાડારાડી કરતા વસુભાઈ જેસગભાઈ મૈયડ તથા અન્ય લોકો ત્યાં દોડી ગયા હતા. પણ બન્ને આરોપીઓ દીપકભાઈને છરીથી જીવલેણ હુમલો કરીને નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા દિપકભાઈ ધીરુભાઈ મૈયડનું મોત નિપજતા બનાવ હત્યામાં ફેરવાયો હતો.

ભત્રીજાના હત્યાના બનાવ અંગે કાકા વસુભાઈ જેસંગભાઈ મૈયડએ જે તે સમયે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને પકડી જરૂરી કાર્યવાહી કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. દરમિયાન આજે આ હત્યાનો કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ મોરબીમાં ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલો તેમજ ૩૨ દસ્તાવેજી પુરાવા અને ૨૦ મૌખિક પુરાવાને ધ્યાને લઇ જજ એ.ડી.ઓઝા સાહેબે બન્ને આરોપી દિવ્યરાજસિંહ જયુંભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભાઈ જાડેજાને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા દશ હજારનો દંડ ફટકાર્યો છે.