વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી ખાતે વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ટ્રેડના તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની કળાથી વ્યસનની જાગૃતિ દર્શાવતા ચિત્રો દોર્યા હતા. આ સ્પર્ધામાં એક થી દશ સુધી નંબર મેળવનાર તમામ વિજેતાને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઈનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશિયલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો અને વ્યસન મુક્તિના ફાયદા અંગે માહિતી આપવામાં આવી ત્યારબાદ સંસ્થાના આચાર્ય આર.બી.પરમાર દ્વારા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલનો આભાર માનતા દરેક વિદ્યાર્થીઓને આ કાર્યક્રમના માધ્યમથી દરેક તાલીમાર્થી પોતે વ્યસનમુક્ત બને અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને વ્યસનમુકિત અંગે પોતાનો જાત અનુભવ પણ જણાવ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય શાખાના આઈ.ઈ.સી.અધિકારી જી.વી.ગાંભવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.







