મોરબી : ગેરકાયદેસર માસ મટનનો વેપાર કરતા 15 ધંધાર્થીઓને નોટિસ

મોરબી : મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે માસ મટનનો વેપાર ખુબ વધ્યો છે અને જાહેરમાં કોઈપણ મંજૂરી વગર માસ મટનના અમુક ધંધાર્થીઓએ હાટડા ખડકી દીધા છે ત્યારે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી માર્કેટ અને ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ શક્તિ ચોકમાં ગેરકાયદે માસ મટનનું વેચાણ કરતા 15 ધંધાર્થીઓને નગરપાલિકા તંત્રએ નોટિસ ફટકારી છે તેમજ માસ મટનનો ગેરકાયદેસર વેપાર ત્રણ દિવસમાં બંધ કરવામાં નહીં આવે તો ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

મોરબી શહેરમાં ધમધમતા માસ મટનના ગેરકાયદેસર વેપાર સામે નગરપાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. મોરબી નગરપાલિકાએ શહેરના શક્તિ ચોક અને જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છીમાર્કેટમાં માસ મટનનું વેચાણ કરતા 15 ધંધાર્થીઓને નોટિસ ફટકારી છે. જે નોટિસમાં નગરપાલિકાએ જણાવ્યું છે કે, શક્તિ ચોક અને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે માસ મટનનું વેચાણ થતું જે જાહેર આરોગ્ય માટે હાનિકારક છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર માર્ગ પર ચાલતી હોય જેથી વાહનોની અવરજવરમાં પણ નડતરરૂપ છે તેમજ જાહેર સલામતી અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડવાની સાથે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે જેથી ગુજરાત મ્યુનિસિપલ એક્ટ હેઠળ પાલિકા તંત્ર દ્વારા નોટિસ પાઠવીને 15 ધંધાર્થીઓને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ત્રણ દિવસની અંદર બંધ કરવા જણાવાયું છે અન્યથા ફોજદારી કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે તેમજ જો કાયદેસર પરવાના હોય તો પણ ત્રણ દિવસમાં નગરપાલિકામાં રજૂ કરી દેવાની તાકીદ કરવામાં આવી છે.