મોરબી : ‘નવી દિશા નવું ફલક’ અંતર્ગત મોરબીમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન અપાયું

કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પથદર્શક રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર મોરબીના ૧૫ વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું

        રાજ્યમંત્રીબ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

        ગુજરાત સરકારે વિવિધ પહેલ અને યોજનાઓ થકી શિક્ષણક્ષેત્રે આગવી સિદ્ધિઓ હાંસલ કરી છે. વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર માટે પણ વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ ગુજરાત સરકાર દ્વારા ‘નવી દિશા નવું ફલક’ કાર્યક્રમ હેઠળ રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અન્વયે મોરબી ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબીમાં વી.સી. હાઇસ્કુલ ખાતે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, માણસમાં જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે પ્રગતિના તમામ પંથ ખુલી જાય છે. વિદ્યાર્થીઓ ઘણીવાર કારકિર્દી અંગેના માર્ગદર્શનના અભાવના કારણે માર્ગ ભટકી જાય છે ત્યારે આ પ્રકારના કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તેમના માટે ખરેખર રાહચિંધનારનું કામ કરે છે. વધુમાં શિક્ષણને જ્ઞાનુકુંજ ગણાવી શિક્ષણક્ષેત્રે થયેલી સરકારની કામગીરીને બિરદાવી હતી.

        આ પ્રસંગે તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શક વકતવ્ય પણ આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પ્રશ્નોત્તરી કરી શકે તેવું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

        ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સમગ્ર રાજ્યમાં મોરબી બીજા ક્રમે રહ્યું છે ઉપરાંત રાજ્યના A1 ગ્રેડ મેળવનાર કુલ ૧૯૬ વિદ્યાર્થીઓ માંથી ૧૫ વિદ્યાર્થીઓ મોરબીના છે જેમને પણ આ પ્રસંગે સન્માનવામાં આવ્યા હતા.

        આ પ્રસંગે શિક્ષણવિદ્દ રમેશભાઇ પટેલ તેમજ ડેનીશભાઇ કાનાબાર દ્વારા શૈક્ષણિક કારકિર્દી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમમાં હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ,  મોરબી પ્રાંત અધિકારી ડી.એ ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઈ ટમારીયા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.