ચાડધ્રામાં જમીન પચાવી પાડનાર સરપંચના પતિની જામીન અરજી કોર્ટે ફગાવી

હળવદના ચાડધ્રા ગામે વેપારીની જમીન પચાવી પાડનાર સરપંચના પતિ સહીત બે ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો જેને પગલે મહિલા સરપંચના પતિ દ્વારા મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરવામાં હતી જેમાં કોર્ટે કડક વલણ અપનાવી આરોપીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.

મૂળ હળવદ તાલુકાના ચાડધ્રા ગામના વતની અને હાલ હળવદના રાણેકપર રોડ પર રહેતા ભગીરથદાન પરબતસંગ ટાપરીયા (ઉ.વ. 33) ની હળવદ તાલુકાના ચાડધ્રા ગામના સર્વે નં. ૩૭૪/૨ ની જમીન હે.આર.ચો.મી.૦-૫૪-૬૩ જમીન આવેલી છે જે જમીન પર ચાડધ્રા ગામના મહિલા સરપંચના પતિ જગદિશભાઈ કશુભાઈ ગઢવી અને બટુકભાઈ કશુભાઈ ગઢવી દ્વારા કબ્જો કરી લેવામાં આવતા બંને ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ગુન્હો નોંધવા ફરિયાદી દ્વારા અરજી કરવામાં આવી હતી જેથી પોલીસની તપાસમાં આ બંને શખ્સોએ ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાનું સાબિત થતા જગદિશભાઈ કશુભાઈ ગઢવી અને બટુકભાઈ કશુભાઈ ગઢવી વિરુદ્ધ હળવદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

આ ફરિયાદને પગલે મહિલા સરપંચના પતિ જગદિશભાઈ કશુભાઈ ગઢવીએ મોરબી એડી. સેશન્સ જજ સંગીતાબેન પીનાકીન જોશી સાહેબની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી ત્યારે ફરિયાદી પક્ષે સરકારી વકીલ એસ.સી. દવે એ સોગંદનામું રજૂ કરી આરોપી જગદીશ ગઢવી ગુનાહિત માનસ ધરાવે છે અને તેઓની વિરુદ્ધમાં હળવદ પોલીસ મથકમાં બે ગુનાઓ નોંધાયેલ છે આથી તેઓને જો જામીન આપવામાં આવે તો ફરિયાદીને નુકશાન થાય તેમ છે તેવી શંકા વ્યક્ત કરતા અને ધારદાર દલીલો કરતા એડિશનલ સેશન્સ જજ એસ.પી.જોશીએ આરોપીની જામીન અરજી ફગાવીને આરોપીના આગોતરા જામીન નામંજુર કર્યા હતા અને પોલીસને પણ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવા તાકીદ કરી હતી.