મોરબી : આટલી જ વાર લાગે એમ કહી બે રાઉન્ડ ફાયરિંગ કરાયું

મોરબીના રંગપર બેલા ગામે રહેતા અને તળાવિયા શનાળા રોડ ઉપર પ્લાસ્ટિકનુ કારખાનું ધરાવતા ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા ગઈકાલે બપોરે ઘરેથી જમીને પરત આવતા હતા ત્યારે બેલા (રંગપર) ગામની સીમમાં ખહલીમાતાના મંદીર પાસે સામેથી આવતી મહિન્દ્રા થાર ગાડીના ચાલકે ગૌતમભાઈને ઈશારો કરી મોટર સાયકલ ઉભું રાખવા કહેતા ગૌતમભાઈ ઉભા રહી ગયા હતા.

દરમિયાન મહિન્દ્રા થાર ગાડીમાંથી નીચે ઉતરેલા નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ, રહે. મુળ.તળાવિયા શનાળા હાલ-ઉમા ટાઉનશીપ, મોરબીઅને યોગેશભાઇ બરાસરા રહે. મૂળ.નશીતપર હાલ.મોરબી વાળાએ ગૌતમભાઈને કહ્યું હતું કે તે અસ્મિતા સાથે મૈત્રી કરાર કર્યા છે તે અસ્મિતા યોગેશની પત્ની છે અને બે વર્ષથી રિસામણે બેઠેલી છે. તું એને છોડી દેજે નહીં તો આટલી જ વાર લાગે એમ કહી નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલે પોતાના પાસે રહેલી રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરી ગૌતમભાઈના પગ પાસે ગોળીબાર કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

જો કે, ફાયરિંગ સમયે ગૌતમભાઈ દૂર ખસી જતા કોઈ ઈજાઓ થઇ ન હતી.ઘટના અંગે કારખાનેદાર ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ અને યોગેશભાઇ બરાસરા વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૫૦૬(૨), ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ-૩૦ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.