હર ઘર તિંરગા અભિયાન અંતર્ગત મોરબીમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમીતભાઇ શાહે હર ઘર તિરંગા કાર્યક્રમની જાહેરાત કરીને સમગ્ર દેશમાં અભિયાનમાં વધુને વધુ લોકો ભાગ લે તે આહ્વાન કરી વધુને વધુ આ કાર્યક્રમમાં જોડાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવા વહિવટી તંત્રને દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે આપણા દેશની આન, બાન અને શાન એવા તિરંગો ઘર ઘર સુધી પહોંચે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ માટે સરકાર દ્વારા આગામી સમયમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો જિલ્લા તેમજ તાલુકા સ્તરે હાથ ધરવામાં આવનાર છે.

            રાષ્ટ્રવાદ જગાડવા માટે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય સૌથી મહત્વનો ભાગ ભજવશે ત્યારે આપણો મોરબી જિલ્લો પણ હર ઘર તિરંગા અભિયાનમાં મહત્વનું યોગદાન પ્રદાન કરશે. આ અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ તેમજ સમગ્ર વહિવટી તંત્રના સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. તિરંગો ઘરોઘર, ગામે-ગામ, દુકાનો, ફેક્ટરી, શાળાઓ સહિત અનેક સ્થાનો પર ૧૧ થી ૧૭ ઓગસ્ટ સુધી ફરકાવવામાં આવે તે અંગે કાર્યયોજના તૈયાર કરવામાં આવી રહી છે. વધુમાં તિરંગો ફરકાવવા માટે તેનું સન્માન જળવાઇ રહે તે માટે પ્રોટોકોલની પણ સમજ આપવામાં આવશે.

       આગામી ૧૫મી ઓગસ્ટના દિવસે હર ઘર તિરંગા કાર્યક્રમને લીલીઝંડી આપી ગૃહ મંત્રાલયે લોકોમાં દેશભાવના જાગે અને દેશ પ્રત્યે સંવેદના રહે તે માટે આ કાર્યક્રમ દેશ-વિદેશમાં ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ માટે સરકારએ હવે માત્ર ખાદીનો જ નહીં પરંતુ પોલીસ્ટર, કોટન સહિતના કાપડમાંથી પણ બનાવવાની છુટ આપી છે. અત્યાર સુધી હાથ વણાટનો અને ખાદીનો તિરંગો રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે ઉપયોગમાં લેવામાં આવતો હતો.