ગૃહ રાજ્યમંત્રીએ મોરબી જિલ્લાના કાયદો અને વ્યવસ્થા અંગે સવાંદ યોજ્યો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબી જિલ્લાની સામાજિક સંસ્થાઓ, ઔદ્યોગિક સાહસિકો તથા વેપારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા અંગે સવાંદ યોજ્યો

મોરબી સિરામીક ઉદ્યોગ ગુજરાતની આગવી ઓળખ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

નાગરિકોની સલામતિ તેમજ શાંતિ માટે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સરકાર કટિબદ્ધ છે

 ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાની સામાજિક સંસ્થાઓ, ઔદ્યોગિક સાહસિકો અને સંગઠનનો, વેપારીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ સાથે કાયદો અને વ્યવસ્થાના મૂલ્યાંકન તેમજ તેની જાળવણી અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રીએ તમામ પ્રશ્નો તેમજ સૂચનો સાંભળી તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આપત્તિ વ્યવસ્થાપન, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો) તેમજ પોલીસ હાઉસિંગ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સામાજિક સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક સાહસિકોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે પૃચ્છા કરી હતી. તમામ દ્વારા રજૂ કરાયેલા ચોરી, ધાડ, ખંડણી, ટ્રાફિક સમસ્યા, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ, સામાન્ય જનતાના પ્રશ્નો, પરપ્રાંતિય મજૂરોની નોંધણી વગેરે જેવા પ્રશ્નોને તેમજ રજૂઆતોને ધ્યાને લઇ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી એ આ તમામ બાબતો પર ત્વરિત પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ સિરામીક એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલી મજૂરોની નોંધણી અંગેની એપ્લિકેશનની સરાહના કરી તેમાં તમામ મજૂરોની નોંધણી થાય તે જોવા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગને ખાસ તાકીદ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, મોરબીનો સિરામીક ઉદ્યોગ એ ગુજરાતની આગવી ઓળખ છે ત્યારે કાયદો અને વ્યવસ્થાનું સુચારૂ રીતે વ્યવસ્થાપન થાય તે અંગે સરકાર કટિબદ્ધ છે આ વ્યવસ્થાપન આપણે સૌ સાથે મળીને કરશું.

આ તકે મોરબી જિલ્લાના વિવિધ ઔદ્યોગિક સાહસિકો, વેપારીઓ, સામાજિક સંસ્થાઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કાયદો અને વ્યવસ્થા અંગે વિવિધ પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા.

ગૃહ રાજ્યમંત્રીએ આ તકે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને જે પ્રશ્નોનું સ્થાનિક ધોરણે નિવારણ લાવી શકાય તેવા પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા તાકીદ કરી હતી.

કાયદો અને વ્યવસ્થાપનની આ સંવાદ બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેકટર જે.બી.પટેલ, રેન્જ આઇજી  સંદીપ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, મોરબી એપીએમસી ચેરમેન ભવાનભાઇ ભાગીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય બાવંજીભાઇ મેતલિયા અને કાંતિભાઈ અમૃતિયા, અગ્રણી લાખાભાઈ જારીયા, જયુભા જાડેજા,   સિરામીક એસોસીએશન તેમજ અન્ય ઔદ્યોગિક સંગઠનના પ્રમુખઓ, પ્રતિનિધિઓ તથા સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.