મોરબીમાં ભૂકંપનું જોખમ ઘટાડવા અને વ્યવસ્થાપન અંગે ૨ દિવસીય તાલીમનું આયોજન કરાયું

જિલ્લાના વિવિધ વિભાગના ઇજનેરોને સુરક્ષિત બાંધકામ પદ્ધતિમાં નવીનતમ ટેક્નોલોજી અંગે અવગત કરાયા

મોરબીમાં GIDM (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ), GSDMA અને જિલ્લા વહીવટીતંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મોરબી જિલ્લાના સહયોગથી કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા એન્જિનિયરો માટે ભૂકંપનું જોખમ ઘટાડવા અને વ્યવસ્થાપન ૨ દિવસીય જિલ્લા કક્ષાના તાલીમ કાર્યક્રમનું કલેક્ટર કચેરી  ખાતે અયોજન કરવામાં આવ્યું હતું.

૨૦૦૧ માં કચ્છ-ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મોરબી જિલ્લો પણ ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. જટિલ માળખાકીય સુવિધાઓ સહિત ઘણી ઇમારતોને નુકસાન થયું હતું અને સામાન્ય  જન-જીવન પણ ખોરવાઈ ગયું હતું. જેથી પૂર્વ તકેદારીના પગલારૂપે આવી તાલીમ અગત્યનો ભાગ ભજવે છે.

        BMTPC-એટલાસ મુજબ, મોરબી સિસ્મિક ઝોન – IV માં આવેલું છે જે ઉચ્ચ જોખમી ક્ષેત્ર છે એટલે કે રિક્ટર સ્કેલ મુજબ ધરતીકંપની શક્યતાઓ રહે છે. જેથી સંભવિત નુકશાનથી બચવાના હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષિત ઈમારતો દ્વારા આપત્તિના જોખમને ઘટાડવા માટે આ તાલીમનું અયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા ઈજનેરો સુરક્ષિત બાંધકામ પદ્ધતિઓમાં નવીનતમ પદ્ધતિઓ અને ટેક્નોલોજી અંગે અવગત કરાયા હતા.

મોરબી જિલ્લામાં ભૂકંપના જોખમને ધ્યાનમાં રાખીને રાખવામાં આવેલી આ તાલીમમાં કલેક્ટર જે.બી.પટેલ, નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના  ઈજનેર, સિંચાઈ વિભાગ (રાજ્ય અને પંચાયત બન્ને)ના ઇજનેર, એસ.એસ.એ.ના ઈજનેર, નગરપાલિકાના ઈજનેર વગેરે હાજર રહ્યા હતા.