મોરબી અને માળીયા તાલુકાની તમામ શાળાઓમાં ગાંધીબાગનું પુષ્પ પુસ્તક અર્પણ કરાયું

મોરબીના લોકનેતા અને સેવાના ભેખધારી સ્વ.ગોકળદાસ પરમારના જીવન-કવન પર આધારિત પુસ્તક ગાંધીબાગનું પુષ્પ મોરબી તાલુકાની 180 શાળા માળીયા તાલુકાની 78 જેટલી શાળા અને 23 જેટલા સી.આર.સી.મથકમાં પુસ્તક વિનામૂલ્યે અર્પણ કરવામાં આવેલ છે.સ્વ.ગોકળદાસ પરમાર મુંબઈ રાજ્યની વિધાનસભાની 1957 ની ચૂંટણીમાં 35 વર્ષની ઉંમરે મોરબી માળીયા વિસ્તારના પ્રતિનિધિ તરીકે પ્રથમ વખત ચૂંટાઈ આવેલ હતા.ત્યારબાદ તેઓ ગુજરાત વિધાનસભામાં 1962-1967 માં ધારાસભ્ય તરીકે મોરબી-માળીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું

આ દરમિયાન તેઓ ઈ. સ.1965 માં ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્ય પ્રમુખ તરીકે,સ્પીકરની પેનલમાં બે વર્ષ સુધી સેવાઓ આપી હતી,અને ગુજરાત વિધાનસભા 1975 થી 1980 સુધી એમ કુલ 15 વર્ષ સુધી ધારાસભ્ય તરીકે રહી લોકોની સેવા કરી હતી,ઈ.સ.1979 ની મચ્છુ હોનારત વખતે મોરબીનો વીનાશમાંથી બેઠું કરવામાં રાત દિવસ જોયા વગર પ્રયત્નશીલ રહ્યા હતા.તેઓ કોલેજનો અભ્યાસ છોડી ઈ.સ.1942 માં ભારત છોડો આંદોલનમાં જોડાયા હતા. ઈ.સ.1947 માં તેઓ ખેડૂત સત્યાગ્રહ કર્યો હતો જેના કારણે તેઓને જેલમાં જવું પડ્યું હતું.

એમને એમના જીવન દરમિયાન કરેલ લોકસેવાના કર્યો બદલ અનેક એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ઈ. સ.1948 માં સુવર્ણચંદ્રક તેમજ અનેકવિધ બહુમાનથી સન્માનિત કરાયા હતા. સ્વ.ગોકળદાસ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે એમના જીવન પ્રસંગો ઉપર આધારિત પુસ્તક એમના કાર્ય વિસ્તારની મોરબી અને માળીયા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં,માધ્યમિક શાળાઓ અને સી.આર.સી.માં કુલ 350 જેટલા પુસ્તકો મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે.