વિશાલ જયસ્વાલ હળવદ : સફાઇ કામગીરીમાં ભેદભાવ થતો હોવાની અનેક રજૂઆતો બાદ કાળી પટ્ટી ધારણ કરતા સફાઇ કામદારો હળવદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સફાઇ કામદારો પોતાની વિવિધ માંગણીઓ સાથે અલગ અલગ પ્રકારની રજૂઆતો તેમજ ઉપવાસ આંદોલનો પણ કરી ચૂક્યા છે. ત્યારે આજે નગરપાલિકા કચેરી ખાતે વાલ્મિકી સમાજના સફાઇ કામદારોએ કામગીરીમાં ભેદભાવ થતો હોવાની રજૂઆત સાથે કચેરીમાં સૂત્રોચ્ચાર કરી કાળી પટ્ટી ધારણ કરી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખના મરશીયા ગાયા હતા.
વાલ્મિકી સમાજના સફાઇ કામદારો સાથે કામગીરીમાં ભેદભાવ થતો હોવાની પાલિકા કચેરીમાં સફાઇ કામદારોએ અનેક રજૂઆતો કરી હતી. અને પ્રતિક ઉપવાસ પણ કર્યો હતો. જેમાં હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પ્રતિક ઉપવાસના પારણા કરાવી અને કામગીરીમાં ભેદભાવ દૂર કરવાની બાંહેધરી આપી હતી. જે ફોક સાબિત થતા ફરી એકવાર વાલ્મિકીના સમાજના સફાઇ કામદારોએ પાલિકા કચેરીમાં સફાઇ કામગીરીમાં ભેદભાવ દૂર કરવા રજૂઆત કરી હતી. જે અનુસંધાને બહેરી અને મુંગી પાલિકાએ રજૂઆતો ધ્યાને ન લઇને કામગીરીમાં થતા ભેદભાવને દૂર કર્યો નહીં. જેથી કરીને આજે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના સફાઇ કામદારો સૂત્રોચ્ચાર સાથે કચેરીમાં કાળી પટ્ટી ધારણ કરી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના મરશીયા ગાયા હતા.