સુંદરગઢના ગ્રામજનોએ મામલતદારને પેપરમિલની વિરોધમાં આપ્યું આવેદનપત્ર

વિશાલ જયસ્વાલ હળવદ : દુર્ગંધ મારતા અને દુષિત પાણી છોડતા કારખાનેદારનું NOC રદ કરવા ગ્રામજનોની માંગ મનુષ્યના સ્વાસ્થ્ય સાથે હાનિકારક નિવડતા કારખાના સામે ગ્રામજનો આકરા પાણીએ હળવદના સુંદરગઢ ગામ પાસે આવેલી પેપરમિલમાંથી નીકળતા ધૂમાડાથી વાયુ પ્રદૂષણ ફેલાય છે. તો સાથે તાજેતરમાં કેમિકલયુક્ત પાણી કારિયાવાના ઓકળામાં છોડીને બ્રાહ્મણી ડેમ-2માં ભળે તેવું સંગીન કામ કર્યું છે. જેથી કરીને અમારા ગામ નજીક પેપરમિલની NOC તાત્કાલિક ધોરણે રદ કરી ફેક્ટરી ધમધમતી બંધ કરવા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

સુંદરગઢના ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહી મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, સુંદરગઢ અને કડિયાણા વચ્ચે સર્વે નંબર 255 પૈકી 8 પૈકી એકમાં તાજેતરમાં પેપરમિલ સુંદરગઢ નજીક નિર્માણ થઇ છે. વધુમાં તેમાં ઉપયોગમાં લેવાતા કેમિકલયુક્ત પાણી સુંદરગઢ નજીક આવેલ કારિયાવાના ઓકળામાં ઝેરી કેમિકલયુક્ત પાણ છોડીને બ્રાહ્મણી-2 ડેમમાં ભળે તેવું સંગીન કામ કર્યું છે. તે પાણીનો ઉપયોગ પીવા માટે તેમજ પશુ-પંખીઓના જીવ જોખમમાં મુકાયા છે. જેની અસર મોરબી તેમજ અન્ય જિલ્લાના થશે. વધુમાં જણાવ્યું છે કે, આ વન્યજીવો તેમજ નજીક વસવાટ કરતા ગ્રામ્યના લોકો પેપરમિલના પ્રદૂષણ તેમજ કેમિકલયુક્ત પાણીના કારણે બીમારી ફેલાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

ઉપરાંત કેમિકલયુક્ત ઝેરી પાણી દ્વારા ઉત્પન્ન થતા દુષિત પાકો જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડશે તેવી સંભાવના છે. જેથી કરીને વહેલી તકે પેપરમિલ સામે યોગ્ય કાર્યવાહી કરી પેપરમિલની NOC રદ કરવા સુંદરગઢના ગ્રામજનોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.