સખી મેળો ૨૫૦ નારી સાથે ૧૫૦ પૂરૂષો માટે પણ રોજગારીનું સર્જક બન્યું 

સખી મેળા થકી સખી મંડળની બહેનોની આ હર્બલ પ્રોડકટ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં પહોંચાડવાનો સરળ માર્ગ મળ્યો -એક્સીક્યુટીવ માર્કેટિંગ હોલ્ડર  દિપકભાઈ ગોહિલ

સેવા સખી મંડળનું આ ભારતીય આયુર્વેદની હર્બલ પ્રોડક્ટ વિશ્વના ૨૦ દેશોમાં પહોંચાડવાનું સ્વપ્ન

સમય બદલાઈ રહ્યો છે અને ભારતની નારી પણ આ સમય સંગ કદમ સાથે સાથે કદમ મિલાવી આગળ વધી રહી છે. જેનું જીવંત ઉદાહરણ છે હિમંતનગરનું સેવા સખી મંડળ.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સેવા સખી મંડળ સાથે જોડાયેલી મહિલાઓ આયુર્વેદિક ઔષધી બનાવે છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨૫૦ થી વધુ મહિલાઓ અને ૧૫૦ જેટલા પુરુષોને રોજગારી આપે છે. આ ઉત્તમ ઉદાહરણ છે આત્મનિર્ભર ભારતની પગભર નારીશક્તિનું કે, જે હવે નારી તો ઠીક પરંતુ પુરૂષ માટે પણ રોજગારી સર્જક બની છે.

મોરબી જિલ્લામાં વંદે ગુજરાત પ્રદર્શન હેઠળ એલ.ઈ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે સખી મેળો ચાલી રહ્યો છે. આ સખી મેળામાં સરકાર દ્વારા નિ:શુલ્ક સ્ટોલની ફાળવણી કરવામાં અવી રહી છે જેમાં વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. સેવા સખી મંડળ દ્વારા પણ તેમની હર્બલ પ્રોડ્ક્ટસનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે.

દિપકભાઈ ગોહિલ કે જેઓ આ સેવા સખી મંડળ હેઠળ એક્સીક્યુટીવ માર્કેટિંગ હોલ્ડર તરીકે કામ કરે છે. તેઓ જણાવે છે કે, આ સખી મેળાઓ સખી મંડળો અને મહિલાઓ માટે ખુબ જ મહત્વના છે જ્યાં તેમને સ્ટોલ સાથે રહેવાની સુવિધા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. અમે આવા સખી મેળાઓમાં ભાગ લઈ અમારી હર્બલ પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ જેમનું ઉત્પાદન પણ મહિલાઓ જ કરે છે. સરકારની આ સહાય સાથે એમને લોકોનો પણ સારો સહકાર મળી રહ્યો છે.

આ સખી મેળાઓ થકી સખી મંડળની બહેનો સમગ્ર ગુજરાતમાં અને દેશના અન્ય રાજ્યોમાં પણ પોતાની પેદાશો વેચી શકે તેનો માર્ગ મળ્યો છે. આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી આ હર્બલ પ્રોડક્ટ સાથે અને મેડિકલ અને ડોક્ટર્સ પણ જોડાયેલા છે જે આ પ્રોડક્ટનું વેચાણ કરે છે. વધુમાં જણાવ્યું હતું કે, સરકારશ્રીની આ પેહલ થકી અનેક મહિલાઓ પ્રગતિના પંથે આગળ વધી રહી છે.

ઉલ્લેખનિય છે કે, સેવા સખી મંડળને હાલ જ સાળંગપુર સખી મેળામાં બેસ્ટ સેલિંગનો એવોર્ડ પણ મળ્યો છે. ખાદી ગ્રામોદ્યોગ પ્રમાણિત હર્બલ પ્રોડક્ટનું નિર્માણ કરતાં સેવા સખી મંડળના ડીલર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ આ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. સેવા સખી મંડળનું આ ભારતીય આયુર્વેદની હર્બલ પ્રોડક્ટ વિશ્વના ૨૦ દેશોમાં પહોંચાડવાનું સ્વપ્ન છે.