મોરબી સિરામિક એસોસિએશનના તમામ ડિવિઝન મોરબીને મહાનગરપાલિકા અપાવવા મેદાને

મોરબી સીરામીક એસોસિએશનના તમામ ડિવિઝનના પ્રમુખશ્રીઓ જેમાં વોલ ટાઇલ્સ એસોસિએશન, ફ્લોર ટાઇલ્સ એસોસિએશન, વિટ્રીફાઇડ એસોસિએશન અને સેનેટરીવેર્સ એસોસિયેશન એમ તમામે તમામ સિરામિક એસોસિયેશન ના ડિવિઝનો ના પ્રમુખશ્રીઓએ મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી  બ્રિજેશ મેરજાને તેમજ તેમના દ્વારા  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોરબી નગરપાલિકાને તબદિલ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા માટે એક સાથે રજૂઆત કરવામાં આવી છે.

જેમાં તમામ બારે બાર મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. એ વિશે વિજયભાઈ લોખીલ દ્વારા અગાઉ અખબારી યાદીમાં જણાવાઈ ગયું હોય, વધુમાં આ વિષય સંદર્ભે જ્યારે લબ્ધ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારીયા ને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે ગત ફાઇનાન્સિયલ વર્ષ 2021-2022 માં મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રી રાષ્ટ્રીય કક્ષાએ 45000 કરોડનું ટર્નઓવર ધરાવે છે. અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 15000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. અને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ ભારત સરકારને કમાઈ આપે છે. અને જીએસટીમાં અને ઇન્કમટેક્સ માં રાજ્ય સરકાર ના આંકડાઓ મુજબ શ્રેષ્ઠ યોગદાન જો કોઈ ક્ષેત્રના ઉદ્યોગોનું હોય, તો તે મોરબીનું સિરામિક એસોસિયેશન આપી રહ્યું છે

તેની સામે જો મોરબીની સુખ-સુવિધા અને સુખાકારીની વાત કરવામાં આવે તો, ઇન્ફ્રાસ્ટ્રકચર ની દ્રષ્ટિએ થવો જોઈતો હતો, તેટલો વિકાસ થયો નથી. ઉલટાનું વસ્તીની દ્રષ્ટિએ ખૂબ મોટું ભારણ દિન પ્રતિદિન વધતું જતું હોય, પ્રાથમિક સુવિધાઓ પૂરી કરવા માટે તેમજ આવડા મોટા વિસ્તારને તમામ સુવિધાઓથી આવરી લેવા માટે, મહાનગરપાલિકા આપ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. તેવું સિરામિક ઉદ્યોગપતિ મુકેશભાઈ કૂંડારીયા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં લોકોની સુખાકારી માટે શનાળા, રવાપર, ત્રાજપર, નાની વાવડી, લાલપર, મહેન્દ્રનગર, વજેપર, અમરેલી અને ભડીયાદ સહિતના તમામ ગામોને સામેલ કરીને મહાનગરપાલિકાની રચના કરવામાં આવે તેવી માંગ સીરામીક એસોસિયેશન તરફથી મહાનગરપાલિકાની માંગણી ના સમર્થનમાં ઉઠી છે.