વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્વ હોય છે અને દરેક વ્યક્તિ માટે ગુરૂ પૂજન પણ અનન્ય મહિમા ધરાવે છે. ગુરુ પૂજનના આ ઉત્સવને ” ગુરુપૂર્ણિમા ઉત્સવ ” તરીકે ઉજવાય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનઓમાં ગાયત્રી શક્તિપીઠના મહંત પૂજ્ય અશ્વિન બાપુ, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાનેરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.જી.વોરા સાહેબ, વાંકાનેર તાલુકાના નવનિયુક્ત બીઆરસી મયુરસિંહ તેમજ આ કાર્યક્રમના મુખ્ય પ્રવક્તા ભરતભાઈ બરાસરા જેવા મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો.

ગુરુ વંદના કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ નિરવભાઈ બાવરવા દ્વારા સંગઠનમંત્રથી કરવામાં આવ્યો અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શોભાવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર અને ભારત માતાના ફોટા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

ગુરુ વંદના કાર્યક્રમમાં મુખ્ય પ્રવક્તા ભરતભાઈ બરાસરા દ્વારા ગુરુનું સ્થાન ગુરુનું મહત્વ આજના સમાજમાં કેવું હોવું જોઈએ તેની સચોટ અને પ્રેરણાદાય માહિતી આપવામાં આવી. સમાજની અંદર ગુરુઓનું વંદન અને પૂજન કેમ કરવામાં આવે છે અને હિન્દુ સંસ્કૃતિમાં ગુરુઓનો શું મહિમા હતો અને હાલના સમય માં શું મહિમા છે.તેનો ભેદ સમજાવ્યો. બાળકની સૌપ્રથમ ગુરુ તેની માતા હોય છે અને સમાજની અંદર બાળકનો સંપૂર્ણ વિકાસ જેવો કે આધ્યાત્મિક,સામાજિક, વૈચારિક જેવા ગુણોનું સિંચન ફક્ત અને ફક્ત તેના ગુરુ જ કરી શકે છે તેથી જ બાળકનો બીજો ગુરુ કેહવામાં આવે છે તેના વિશે માહિતી આપવામાં આવી.

ત્યારબાદ પ્રાસંગિક પ્રવચનને અનુરૂપ વાંકાનેર તાલુકાના ટી.પી.ઓ. ડો.જે.જી.વોરા સાહેબ દ્વારા ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું. અને હિન્દુ ધર્મમાં ગુરુ વિશેની વ્યાખ્યા શું છે? તે ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિન બાપુ એ તેના અમી વચનો દ્વારા અભિવ્યક્ત કર્યું.

કાર્યક્રમનો દોર આગળ વધારવામાં આવ્યો જેમાં અશોકભાઈ સતાસીયા દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા પાંખના અધ્યક્ષ ડૉ. લાભુબેન કારાવદરાનું રાજ્ય લેવલે કાર્યોની નોંધ લેવામાં આવી અને સુરેન્દ્રનગર વિભાગ મહિલા સહ સંગઠન મંત્રી તરીકે વરણી થતા એમનું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના તસ્વીર દ્વારા સન્માન કરવામાં આવ્યું. અને કાર્યક્રમને સમાપન તરફ લઈ કલ્યાણ મંત્ર દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હસમુખભાઈ મકવાણા સીનિયર ઉપાધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ વાંકાનેરે કર્યું હતું.