મોરબી : સરપંચના ભાઈ ઉપર હુમલો બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ

રવાપર ગામ ધાયડી વિસ્તાર પાણીના સંપ પાસે રહેતા અને રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણાના ભાઈ નવીનભાઈ રૂગનાથભાઈ ભટાસણાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં આરોપી ભુપત તેજાભાઈ જારીયા અને અમીત તેજાભાઈ જારીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તા.૨૦/૦૭/૨૦૨૨ ના બપોરના સવા બારેક વાગ્યાના અરસામાં નવીનભાઈ રવાપર ગામે પાણીના સંપ પાસે ખુલ્લી જગ્યામાં મજુરો પાસે સાફ સફાઈ કરાવતા હતા.

ત્યારે આરોપી ભુપતે આવીને કહ્યું હતું કે, ‘આ જમીન મારી માલીકીની છે તમો અહિથી બહાર નિકળો’ તેમ જણાવી આવેશમાં આવી નવીનભાઈને મોઢાના ભાગે એક ઝાપટ મારતા તેમના હોઠ દાંત સાથે અથડાતા હોઠમાં ઈજા થતા લોહી નીકળ્યું હતું. તેમજ આરોપી અમીતે આરોપી ભૂપતનું ઉપરાણુ લઈ નવીનભાઈને ગાળો ભાંડી ઢીંકા-પાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ફરિયાદીના આધારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.