લમ્પી રોગ નિયંત્રણ માટે જિલ્લામાં ૨૫ હજારથી વધુ પશુઓને વેક્સીનના ડોઝ અપાયા

લમ્પી ડીસીઝના પગલે પશુપાલન વિભાગ અને ૧૨ મોબાઈલ પશુ દવાખાના તથા ૧ કરૂણા એમ્યુલન્સની ટીમ ખડે પગે

બેનર્સ, પોસ્ટર્સ, જન સંપર્ક તેમજ મીડિયાના માધ્યમથી  પશુપાલકોને જાગૃત કરવા જુંબેશ હાથ ધરાઈ

હાલ ગુજરાતમાં જોવા મળી રહેલા ગાયો-ભેંસોમાં લમ્પી ડિસીઝના સંદર્ભે સાવચેતીના ભાગરૂપે મોરબી જિલ્લામાં પશુપાલન વિભાગ તેમજ ૧૯૬૨ – મોબાઈલ પશુ દવાખાના સાથે પશુ સારવાર વાહન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી મોરબી જિલ્લાના ૮૫ જેટલા ગામમાં ૨૬૭ પશુઓમાં લમ્પી રોગ જોવા મળ્યો છે. જ્યાં તમામ પશુઓની ૧૯૬૨ – મોબાઈલ પશુ દવાખાના તેમજ પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી છે. પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. જે હેઠળ અત્યાર સુધી પશુપાલન વિભાગ દ્વારા ૧૩,૪૫૦ તેમજ દુધ મંડળીઓ દ્વારા ૧૧,૯૪૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

        મોરબી તાલુકામાં ૯૦, ટંકારા તાલુકામાં ૧૫૦, વાંકાનેર તાલુકામાં ૧૫ અને હળવદ તાલુકામાં ૧૨ એમ જિલ્લામાં કુલ ૨૬૭ કેસ નોંધાયા છે. જેની સામે મોરબી તાલુકામાં ૪,૫૬૦, ટંકારા તાલુકામાં ૧૦,૧૮૫, વાંકાનેર તાલુકામાં ૪,૦૪૦, હળવદ તાલુકામાં ૬,૧૮૨ અને માળિયા તાલુકામાં ૪૦૦ મળી જિલ્લામાં કુલ ૨૫,૩૬૯ થી વધુ પશુઓને રસી આપવામાં આવી છે.

પશુપાલન વિભાગ દ્વારા પશુઓને સુરક્ષિત બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે વિસ્તારમાં વધુ કેસ જોવા મળે છે તે પંથકમાં આસપાસના વિસ્તારમાં વેક્સિનેશન તેમજ સારવાર ઝડપી મળી રહે તે માટે પશુપાલન વિભાગ અને ૧૨ મોબાઈલ પશુ દવાખાના તથા ૧ કરૂણા એમ્યુલન્સની ટીમ ખડે પગે છે. આ ઉપરાંત સહકારી સંસ્થાઓ, ડેરીઓ પણ પશુઓને વેક્સિનેશન આપાવાના કાર્યમાં જોડાયા છે.

પશુપાલકો આ રોગ અંગે જાગૃત બને તે  માટે ગામડાઓમાં બેનર્સ, પેમ્પલેટ તેમજ જનસંપર્કના માધ્યમથી પશુપાલન વિભાગ દ્વારા પ્રસાર-પ્રચાર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મીડિયાના માધ્યમથી પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે .

આ  રોગ માખી, મચ્છર, જૂ, ઇતરડી દ્વારા તથા સીધા સંપર્ક દ્વારા ફેલાતો હોઈ પશુઓની આસપાસ સાફ સફાઈ રાખવી, પશુમાં આ બીમારીના લક્ષણ જણાયે તેને અલગ રાખવું તેમજ તુરંત જ સારવાર માટે નજીકના દવાખાનમાં કે હેલ્પ લાઈન નંબર ૧૯૬૨ ને જાણ કરવી. આ રોગની સમયસર સારવાર કરાવવાથી રોગનું જોખમ ઘટી જાય છે.