મોરબીમાં ૮૯.૩૧ કરોડના ખર્ચે નટરાજ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ નિર્માણ પામશે

નટરાજ ફાટક પર ઓવરબ્રિજની વિગતે માહિતી આપતાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા

શ્રમ, રોજાગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના નટરાજ રેલવે ફાટક પાસે નિર્માણ પામનાર ઓવરબ્રિજ માટે અગાઉ ૮૦ કરોડની તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. હવે નવી મંજૂરી મુજબ ૮૯.૩૧ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ નિર્માણ પામશે. વહિવટી મંજૂરી બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શહેરમાંથી પસાર થતા લગભગ તમામ વાહનો નટરાજ રેલવે ફાટક પાસેથી પસાર થાય છે. ટ્રેન પસાર થાય ત્યારે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. ઓવરબ્રિજ બનતા ટ્રાફિક સમસ્યાનો કાયમી અંત આવશે અને શહેરીજનોની સુવિધામાં વધારો થશે.