મોરબી : ૧૬ વર્ષની બાળાનો તેમના પરિવાર સાથે મિલાપ કરાવતું સખી-વન સ્ટોપ સેન્ટર

કાઉન્સેલીંગ બાદ પરપ્રાંતિય બાળાને તેના દાદાજીને સોંપવામાં આવી

                મોરબીના સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા નાગડાવાસમાં રહેતા પરપ્રાંતિય ખેત મજૂરની ૧૬ વર્ષની બાળાનું પરિવાર સાથે મિલાપ કરવામાં આવ્યું હતું.

૨૧ જુલાઈએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૧૬ વર્ષની આ બાળાને સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી હતી જેનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે તે બાળક મૂળ મધ્યપ્રદેશની છે અને હાલ નાગડાવાસમાં ખેત મજૂરી કરતા તેના માતા-પિતા સાથે રહે છે માતા-પિતાનો ઝઘડો થતા તે કંટાળીને ઘરેથી કહ્યા વિના નીકળી ગઈ હતી.

૧૮૧ અભયમ હેલ્પલાઇનને આ બાળા મળતા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તે પરથી તેમને જાણવા મળ્યું કે, આ બાળાના માતા પિતા નાગડાવાસમાં ખેત મજૂરી કરે છે. સ્ટાફ દ્વારા ત્યાંના સ્થાનિક સરપંચશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બાળા તેના માતા-પિતા પાસે જવા સહમત ન હતી પરંતુ તેને મધ્યપ્રદેશમાં રહેતા તેના દાદાજી પાસે જ જવું હતું. જેથી ૧૮૧ અભયમ ટીમ અને સ્ટોપ સેન્ટર દ્વારા તેનું કાઉન્સેલિંગ કરીને તેમજ બાળાના મામા તેમજ પિતાના સંપર્ક થકી દાદાજીનો સંપર્ક સાધી મધ્યપ્રદેશથી તેમને બોલાવવામાં આવ્યા હતા.

૨૬ જુલાઈના રોજ બાળાને હેમખેમ દાદાજીને સોંપી સખીવન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મિલાપ કરાવ્યું હતું. બાળાના દાદાજીએ સખીવન સ્ટોપ સેન્ટર મોરબીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.