હળવદ : સા.શૈ.પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની મુલાકાત લીધી

સમિતિએ હળવદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના જુદા જુદા વિભાગોની માહિતી મેળવી

હળવદ ખાતે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ હળવદના જુદા જુદા વિભાગની માહીતી મેળવી હતી. સમિતિના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓએ હોસ્પિટલના ઓપીડી વિભાગ, ઓપરેશન થિયેટર, ગાયનેક વિભાગ, હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાઓની વિગતે જાણકારી તબીબી અધિકારીઓ પાસેથી મેળવી હતી. આ ઉપરાંત, હોસ્પિટલમાં મહેકમ કેટલું છે તેના વિશે સમિતિના સભ્યોએ વિગતે જાણકારી મેળવી હતી.

હોસ્પિટલમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અપાતી રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાકીય સહાય અંગે વિગતો મેળવવા આવેલી સમિતિ હળવદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ મુલાકાત લઈને પ્રભાવિત થઈ હતી.

સમિતિના પ્રમુખશ્રી શંભુજી ઠાકોર, સભ્યો અને ધારાસભ્ય સર્વશ્રી રઘુભાઇ દેસાઇ, ઠાકોર ગેનીબેન, ઠાકોર અજમલજી, રાજેન્દ્રસિંહ ઠાકોર, પુરૂષોત્તમભાઇ સાબરિયા, ભીખાભાઇ બારૈયા, અરવિંદભાઇ રાણાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, આરોગ્ય વિભાગના રાજકોટ રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ.કે.જે. પિપળીયા, ખેડા ડીટીઓ દિનેશભાઈ બારોટ, ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી એલ.વી.લાવડીયા, મોરબી તાલુકા આરોગ્ય અધિકાર રંગપરીયા, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારી તથા હળવદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સૌ સ્ટાફકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.