પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૨૫ લાભાર્થીઓને આવાસ માટે ૨૭.૫ લાખની સહાય અપાઈ

ગુજરાત વિકાસ યાત્રા અન્વયે ઘર ઘર પહોંચી જન કલ્યાણની યોજનાઓ

ગ્રામીણ વિસ્તારોમાં ૨૫ લાભાર્થીઓને ૧૦૦ ચોરસ વાર પ્લોટની ફાળવણી કરાઈ, ઉર્જા વિભાગ દ્વારા ખેતીવાડી વીજ જોડાણમફત વીજળી જોડાણ યોજના વગેરે હેઠળ ૧૨૦થી વધુ લાભાર્થીઓને સાંકળી લેવાયા

 ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે ગુજરાતની ૨૦ વર્ષની વિકાસ ગાથાના પ્રદર્શનની સાથે વિવિધ જન કલ્યાણની યોજનાઓના લાભ ઘર-ઘર સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે મોરબી જિલ્લામાં પણ બે રથ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ફાળવવામાં આવ્યા હતા. આ વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ દ્વારા ગામડે ગામડે લોકોને વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા.

વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦ જેટલા લાભાર્થીઓને પ્રત્યેકને ૧,૨૦,૦૦૦ એમ ૨૪ લાખની સહાય અપાઈ હતી. ઉપરાંત છેવાડાના વંચિત ૩૫ જેટલા લાભાર્થીઓને ૧૦૦ ચોરસ વાર પ્લોટની પણ ફાળવણી કરવામાં આવી હતી. આવકના દાખલાના ૪૫ લાભાર્થી તેમજ આધારકાર્ડના ૨૦ જેટલા લાભાર્થીઓને ઘર આંગણે જ આ સગવડતા પ્રાપ્ત કરાવવામાં આવી હતી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાંચ લાભાર્થીઓને ૩,૫૦,૦૦૦ ની સહાય પણ આપવામાં આવી હતી.

ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા પણ વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. જુદી જુદી જગ્યાએ યોજાયેલા કાર્યક્રમ હેઠળ એસ.પી.એ. ખેતીવાડી યોજના, મફત વીજળી જોડાણ યોજના, ખેતીવાડી વીજ જોડાણ, ઝૂંપડા વીજળીકરણ યોજના, વીજ પ્રમાણપત્ર, તેમજ અન્ય વીજ જોડાણ સહિત ૧૨૦ થી વધુ લાભાર્થીઓને સાંકળી લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે હેતુથી ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. ઉપરાંત શૌચાલય માટે ૧૨,૦૦૦ તેમજ મજૂરી પેટે પણ રકમ ચૂકવવામાં આવે છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ લાભાર્થીઓને ૭૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. ઉપરાંત ઉર્જા વિભાગની પણ વિવિધ યોજનાઓ હેઠળ લોકોને ઘરે સરળતાથી વીજ કનેક્શન મળી રહે તથા  ખેડૂતોને પણ વીજ જોડાણ જેટલું શક્ય બને તેટલું ઝડપથી મળી રહે તેવી કામગીરી કરવામાં આવે છે. મફત વીજ જોડાણ તેમજ ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ ગરીબ લોકોને મફતમાં વીજ જોડાણ પણ આપવામાં આવે છે.