જીસીએ- નેશવીલ દ્રારા યોજીત જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં મંદબુદ્ધીના બાળકો માટે ૨૬ લાખનાં દાનનો ધોધ

અમેરીકાના ટેનેસી રાજ્યના નેશવીલ શહેરમાં ૨૭ જુલાઈ ર૦૨૨ ને બુધવારના રોજ ગુજરાત કલ્ચરલ એશોશિએશન (GCA ) હોલમાં ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યદરબાર યોજાયો હતો.

વિશાલ જયસ્વાલ હળવદ : નેશવીલ GCA કમિટી તથા આગેવાનો જેવા કે જગુભાઈ વી. પટેલ અને દીનેશ લાલાએ નક્કી કરેલ હતું કે આ કાર્યક્રમની સંપૂર્ણ આવક ગુજરાત રાજ્યના બારડોલી પાસે આવેલા ખરવાસા ગામની મંદબુદ્ધીનાં બાળકોની શાળા શાંતિનાથાય સેવાશ્રમને અર્પણ કરીશું.

સમાજસેવક કલાકાર જગદીશ ત્રિવેદીએ સૌપ્રથમ આ કાર્યક્રમનો પોતાનો પુરસ્કાર ખરવાસાની આ શાળાને અર્પણ કર્યો હતો અને પછી એક પછી એક શ્રોતાજનોએ પોતપોતાના તરફથી દાનની જાહેરાત કરતાં કુલ ૩૨,૫૧૫ અમેરીકન ડોલર એકત્ર થયા હતા જે આશરે ૨૬ લાખ રુપિયા થયા. આ સંસ્થાના પ્રમુખે જણાવ્યા મુજબ આ રકમમાંથી મંદબુદ્ધીનાં બાળકો માટે ફીઝીયોથેરાપીના સાધનો વસાવવામાં આવશે.

આ રકમ નેશવીલ જીસીએ તરફથી અમેરીકાના ડલાસમાં રહેતા મૂળ ખરવાસા ગામના ડાહ્યાભાઈ એન. પટેલ જે આ સંસ્થાના ભૂમિદાતા અને પ્રમુખ છે તેમને એટલે કે બ્રાઈટર વિઝન ફાઉન્ડેશનને મોકલી આપવામાં આવી હતી.