તિરંગાનું સન્માન જળવાય તે અતિ આવશ્યક – મંત્રી

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું

તિરંગો લગાવવા લોકોમાં જાગૃતિ આવે તેવું આયોજન કરવા મંત્રીએ સૂચન કર્યું

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજન તેમજ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટીક વગર એક પણ ધ્વજનું વિતરણ કરવામાં ન આવે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. ઉપરાંત ધ્વજ લેવામાં અને ઘર પર લાગાવવામાં લોકો સ્વયં આગળ આવે તે અંગે જાગૃતિ લાવવા ગ્રામ સભાઓમાં આ બાબત પર ભાર મૂકવામાં આવે તથા પ્રભાત ફેરી પણ કરવામાં આવે તેવી સૂચના આપી હતી.

મોરબી નગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલ પર ૧૦૮ ફૂટ ઊંચા ધ્વજ ફરકાવવાના આયોજન અંગે વિગતો પણ આ તકે મંત્રીશ્રીએ મેળવી હતી. આ તમામ આયોજનમાં તિરંગાનું સન્માન જળવાય તથા ધ્વજ લગાવવામાં કોઈ સરકારી કચેરી બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર તથા ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેર ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગરચર મોરબી તેમજ વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, હળવદ તેમજ માળિયા ચીફ ઓફિસર, મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલ મહેતા, મોરબી શહેરી મામલતદાર સરડવા તેમજ જિલ્લા વહિવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.