મોરબી જિલ્લામાં કલા મહાકુંભનું આયોજન કરાશે

૬ થી ૬૦ વર્ષની વયજૂથના ઇચ્છુક ઉમેદવારોએ ૧૮ મી ઓગસ્ટ સુધીમાં યુવા વિકાસ અધિકારીની કચેરીમાં અરજી કરવી

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા પ્રેરીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત કલા મહાકુંભ – ૨૦૨૨-૨૩ યોજાનાર છે. જેમાં ૬ થી  ૬૦ વર્ષ ઉપર સુધીના તમામ વયજૂથના કલાકારો ભાગ લઈ શકશે. વય જુથમાં ચાર (૪) વિભાગ રહેશે. (૧) ૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ (૪) ૬૦ થી ઉપર

આ કલા મહાકુંભમાં (૧) સાહિત્ય વિભાગમાં- વકતૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, ગઝલ – શાયરી, દોહા છંદ ચોપાઈ, (૨) કળા વિભાગમાં- ચિત્ર કલા, સર્જનાત્મક કારીગરી, (૩) નૃત્ય વિભાગમાં- લોક નૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચિપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ, (૪) ગાયન વિભાગમાં- શાસ્ત્રીયા કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, (૫) વાદન વિભાગમાં- હાર્મોનિયમ (હળવુ), તબલા, ઓરગન, સ્કુલબેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સાંરગી, પખવાજ, વાયોલીન, મૃદાંગમ, રાવણ હથ્થો, જોડીયા પાવા, (૬) અભિનય વિભાગમાં- એક પાત્રીય અભિનય, ભવાઈ એમ વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક  ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૧૮-૦૮-૨૦૨૨ સુધીમાં કચેરીના કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે. તા.૧૮/૦૮/૨૦૨૨ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.