મોરબી : વિવિધ સહકારી મંડળીઓ અને બેંકો તેમજ સભ્યોના ઘર મળી ૬૦૦ થી વધુ જગ્યાઓ પર તિરંગો લહેરાશે

જિલ્લા રજિસ્ટ્રારની કચરી-મોરબી દ્વારા હર ઘર તિરંગા અભિયાન અન્વયે આયોજન

“આઝાદી કા અમૃત મહોત્સવ” તા.૧૩/૦૮/૨૦૨૨ થી તા.૧૫/૦૮/૨૦૨૨ દરમિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી થનાર છે. આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર છે.

આ માટે જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબી દ્વારા સહકારી સંસ્થાઓ સાથે  વિશાળ પ્રમાણમાં સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો, સભાસદો હર ઘર તિરંગા કાર્યક્રમમાં ભાગ લે તેનું આયોજન કરવામાં આવેલ છે. મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી. દ્વારા તેની તમામ ૩૦૦ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, રાજકોટ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની મોરબી જિલ્લાની તમામ ૩૫ બ્રાન્ચ અને ૧૮૩ સેવા સહકારી મંડળીઓ પર તેમજ સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી, વ્યવસ્થાપક કમીટીના સભ્યો દ્વારા પોતાની સહકારી મંડળી, પોતાના ઘર પર આ સમયગાળા દરમ્યાન રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જિલ્લાની મોરબી નાગરીક સહકારી બેન્ક લી., ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમજ અન્ય પ્રકારની સહકારી મંડળીઓ પોતાના મકાન પર તિરંગો લહેરાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાની તમામ સહકારી મંડળીઓ, સહકારી મંડળીના વ્યવસ્થાપક કમીટીના સભ્યો, મંડળીના અન્ય સભાસદો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, તેના બોર્ડ મેમ્બર્સ મળી વિશાળ માત્રામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવેલ છે. “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં જિલ્લાની તમામ સહકારી સંસ્થા, સહકારી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો, સભાસદો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીની યાદીમાં અનુરોધ કરાયો છે.