તિરંગો ફરકાવતી વખતે તિરંગાનું સન્માન જળવાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું

આઝાદી કા અમૃત મહોત્સવ- હર ઘર તિરંગા

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ શું છે આ હર ઘર અભિયાન. આ અભિયાન થકી કેન્દ્ર સરકારે ૨૦ કરોડ ઘર પર તિરંગો ફરકાવાનું લક્ષ્ય રાખ્યું છે. જે અંતર્ગત દરેક રાજયમાં ૧ કરોડ તિરંગાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં ૭૦ લાખ તિરંગા કેન્દ્ર મોકલશે તથા ૩૦ લાખની વ્યવસ્થા રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. આ રાષ્ટ્ર ધ્વજ ત્રણ સાઈઝમાં ઉપલબ્ધ હશે. તેની કિંમત ૯, ૧૮ અને ૨૫ રૂપિયા રાખવામાં આવી છે.

હર ઘર તિરંગા અભિયાન હેઠળ તમે તિરંગો ફરકાવો ત્યારે રાષ્ટ્રધ્વજ ફાટેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ, તિરંગો જે ઊંચાઈએ ફરકતો હોય, તેનાથી વધારે ઊંચે બીજો કોઇ ધ્વજ ન ફરકાવાય, રાષ્ટ્રધ્વજનો કોઇ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ, રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે, કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું, રાષ્ટ્રધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ,તોરણ, હાર વગેરે ન મૂકવાં જોઈએ, કોઇ વસ્તુ છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ, રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએ, જો જરૂરી હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મુકી શકાય છે તથા રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ વગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

વાત કરીએ ફ્લેગ કોડની તો,  ફ્લૅગ કોડમાં ત્રણ ફેરફાર કરાયા છે જે હેઠળ પહેલા સુર્યોદય પછી અને સુર્યાસ્ત પહેલાં રાષ્ટ્રધ્વજ ફરકાવાનો, ખુલ્લી જગ્યામાં કે ઘર પર તિરંગો ન ફરકાવી શકાય તથા માત્ર ખાદીના કાપડનો ધ્વજ ફરકાવી શકાશે તેવા નિયમો હતા. જ્યારે હવે રાષ્ટ્રધ્વજ દિવસે અને રાત્રે બંને સમય ફરકાવી શકાશે, ખુલ્લી જગ્યામાં કે ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે તથા ખાદી સિવાયના કાપડનો ધ્વજ પર ફરકાવી શકાશે.