રાજ્યમંત્રીએ લોકસંપર્ક યોજી સંબંધિત વિભાગના અધિકારીઓને વિવિધ સુચનાઓ આપી

વિવિધ પ્રશ્નોનો મંત્રી દ્વારા સ્થળ પર જ તાત્કાલિક યોગ્ય નિકાલ કરાયો

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લોકસંપર્ક યોજ્યો હતો. જે અન્વયે દલિત સમાજના અગ્રણી જેઠાભાઈ પારઘી સહિત અનુસૂચિત જાતિના પ્રતિનિધિ મંડળ દ્વારા સમાજ માટે જમીન આપવા બાબત કરેલી રજૂઆત, ઝીકીયાળી ગામના અગ્રણી રમેશભાઈ ભારીયા તથા મુન્નાભાઈ, દિનેશભાઈ વગેરેએ ગોકુળિયા રસ્તાનું કામ તેમજ ઘોડાધ્રોઈ જવાના રસ્તાનું કામ, સસ્તા અનાજની દુકાન શરૂ કરવા, પીજીવીસીએલ વિભાગ હેઠળ ખેતરોમાં વીજળી આપવા માટેના ખૂટતા સ્ટાફની માંગણી તેમજ મોરબી માળિયા તાલુકામાં સતત વરસાદના કારણે જ્યાં વાવણી નથી થઈ ત્યાં ખેડૂતોને સહાય આપવા વગેરે બાબતોએ રજૂઆતો કરવામાં આવી હતી.

આ રજૂઆતો મંત્રી એ ધ્યાને લઈ સંબંધિત મહેસુલ વિભાગના અધિકારીઓ, અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સિંચાઈ, નર્મદા વિદ્યુત બોર્ડના ઇજનેર જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ યોગ્ય સમય મર્યાદામાં આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી.