પાયાના શિક્ષણ માટે પા પા પગલી મહત્વનું પ્રયાણ, સારા શિક્ષણ થકી બાળકો કરશે ભાવિ ભારતનું નિર્માણ
આંગણવાડી કક્ષાએથી જ બાળકોમાં સુચારૂ શિક્ષણનું સિંચન થાય તથા સારા સંસ્કારો મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી પા પા પગલી યોજના અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ જિલ્લા કક્ષાએ DPSEI અને ઘટક લેવલે TPSEI ની એક-એક કર્મચારીની નિમણુક કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં પા પા પગલી યોજના હેઠળ કુલ ૭૬૧ આંગણવાડી કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં આ યોજના અંતર્ગત આજ દિન સુધીમાં ૩ થી ૬ વર્ષના લાભાર્થી કુમાર ૯૭૮૧ અને કન્યા ૯૫૮૯ એમ કુલ ૧૯૩૭૦ બાળકોને લાભ આપવામાં આવ્યો છે.
નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. જે અન્વયે આ માટે ૩ થી ૫ વર્ષના બાળકોને આંગણવાડીમાં જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાના હેતુથી પા પા પગલી યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના થકી બાળકો પાયાથી જ સારુ શિક્ષણ મેળવી ભાવિ ભારતના નિર્માણમાં મહત્વનો ફાળો આપી શકશે.
આંગણવાડીમાં ૩ થી ૫ વર્ષના બાળકોને મળતા અનુભવો તેમના આગળના જીવન તેમજ પ્રાથમિક શિક્ષણ મેળવવા માટેનો પાયો નખાય તે માટે આ યોજના ખૂબ મહત્વની છે. ૫ વર્ષ પછી બાળક આંગણવાડી છોડીને બાલવાટિકા (Preparatory Class) માં દાખલ થશે. આમ બાળકના શિક્ષણનો મહત્વનો પાયો (૩-૫ વર્ષ) રાજ્યની આંગણવાડીમાં તૈયાર થશે. આ પ્રોજેક્ટ હેઠળ Gujarat Council of Education, Research & Training (GCERT) દ્વારા ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ તૈયાર કરી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેના તાલીમબધ્ધ શિક્ષકો દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. તાલીમ પામેલા નિષ્ણાતો દ્વારા સતત શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.