મોરબી: સતત બીજા વર્ષે અન્ડર-19 મહિલા ટીમના બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે નિશાંત જાનીની નિમણુંક

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ નિશાંત જાનીની સતત બીજા વર્ષે અન્ડર-19 સિનિયર મહિલા ટીમના બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે નિમણુંક કરવામાં આવી છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ તેમની ક્રિકેટ કોચિંગના સર્વોચ્ચ કક્ષા ICC લેવલ 3 માં પસંદગી થઈ છે. જેને પગલે આગામી નવેમ્બર માસમાં તેઓ દુબઇ ખાતે ICC લેવલ 3ની તાલીમ મેળવશે.

મોરબી જીલ્લા ક્રિકેટ એસોસિએશનના કોચ નિશાંત જાનીએ મોરબીમાં ક્રિકેટ ક્ષેત્રે કાંઠુ કાઢ્યું છે. તેઓ આઈસીસી લેવલ 2ના કોચ અને બીસીસીઆઈ સર્ટિફાઈડ પેન કોચ છે. વર્ષ 2019-20 ની સીઝનમા વિનુ માંકડ અન્ડર -19 ટ્રોફી અને રણજી ટ્રોફીમા સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કોચ તરીકે કાર્યરત હતા અને એ સમયે ટીમની ઐતિહાસિક જીત પણ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2021 – 22 સીઝનમા પણ નિશાંત જાનીને સિનિયર ટીમના બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે ચાલુ વર્ષમા અન્ડર -19, અન્ડર -23 અને મહિલાઓની સિનિયર ટીમ આ વર્ષ G1 ટુર્નામેન્ટ રમશે. ત્યારબાદ ટી-20 ટુર્નામેન્ટ અને વન ડેમાં ભાગ લેશે. જેને ધ્યાને લેતા આ સિઝનમાં રસાકસીનો રંગ જામશે. આ ઉપરાંત આ વર્ષે મહિલા IPL પણ શરુ થવા જઈ રહી છે તો સૌરાષ્ટ્રમાંથી કોઈ મહિલા ક્રિકેટરની પસંદગી તેમાં થાય તેવો આશાવાદ પણ નિશાંત જાનીએ વ્યક્ત કર્યો હતો.

આ તકે કોચ નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ જયદેવ શાહ, લેવલ ૩ના ફેકલ્ટી હિતેશ ગોસ્વામી, એમના ગુરુ ઉમેશ પટવાલ અને મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો હતો