રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આરોગ્ય રોગી કલ્યાણ સમિતિ તથા મોરબી મેડિકલ કોલેજ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

મંત્રી બ્રિજેશભાઈ મેરજાના સતત પ્રયત્નો થકી મોરબીમાં કાર્યરત થઇ મેડિકલ કોલેજ

ચાલુ સત્રે કોલેજ શરૂ કરવામાં વહીવટીતંત્રની મહત્વની  ભૂમિકા – મંત્રી બ્રિજેશભાઈ મેરજા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને આરોગ્ય રોગી કલ્યાણ સમિતિ તથા મોરબી મેડિકલ કોલેજ સંદર્ભે સમીક્ષા બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ તકે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો),ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મેડીકલ કોલેજ આ વર્ષે ૧૦૦ સીટ સાથે ચાલુ કરી શકાય તે માટે જિલ્લા વહીવટતંત્ર દ્વારા કરેલી કામગીરીની સરાહના કરી હતી. વધુમાં મેડીકલ કોલેજ સંદર્ભે ઇન્ફાસ્ટ્રક્ચર, વ્યવસ્થાઓ, હોસ્ટેલ, પ્રોફેસરના રહેણાંક વગેરે બાબતોની સમીક્ષા કરી હતી. ઉપરાંત મેડિકલ કોલેજનો સંપૂર્ણ પ્લાન પણ આ તકે મંત્રીશ્રીએ નિહાળ્યો હતો.

આરોગ્ય રોગી કલ્યાણ સમિતિ બાબતે મંત્રીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી, ડિલિવરી વગેરે હેઠળ ગત માસે તેમજ એવરેજ દર્દીઓની વિગતો અંગે પણ મંત્રીશ્રીએ ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતિરા, મોરબી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ.પી.કે. દુધરેજીયા, મોરબી મેડિકલ કોલેજના ઈનચાર્જ ડીન નિરજકુમાર વિશ્વાસ, આઈ.એમ.એ.ના પ્રતિનિધિ પી.જે.ભાડજા, પી.આઇ.યુ.ના પ્રતિનિધિ સંજીવ નાથાણી સહિત સંબધિત વિભાગના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.