ગુજરાત સહકારી ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે – મંત્રી બ્રિજેશભાઈ મેરજા
રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા સહકારી સંસ્થાઓ દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
આ તકે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વિકાસના કામોને ગતિ આપવામાં સહકારી સંસ્થાઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ એક નવું સહકારી વિભાગ શરૂ કરાવ્યું છે અને ગુજરાત તો સહકારી ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. આ તકે તેમણે મોરબી જિલ્લામાં ખેડૂત, ખેતી અને ગામડું ક્ષેત્રે નોંધનીય કામગીરી કરનાર સહકારી આગેવાનોને પણ યાદ કર્યા હતા.
આ પ્રસંગે રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકના ડિરેક્ટરશ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તથા સાંસદ મોહનભાઈ કુંડારીયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું.
આ તકે બેંક દ્વારા વિજેતા મંડળીઓને ઈનામમાં મોટર સાઇકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવિયા, મોરબી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ભવાનભાઈ ભાગિયા, મયુર ડેરીના પ્રમુખ હંસાબેન વડાવિયા, ગોપાલ ડેરીના પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા તથા અગ્રણી સર્વ ડૉ. ડાયાભાઇ પટેલ, દુર્લભજીભાઈ દેથરિયા, જયુભા જાડેજા, અમુભાઈ વિડજા, બકુલસિંહ તથા વિવિધ મંડળીઓના પ્રમુખ, સભ્યશ્રી તથા બહોળી સંખ્યામાં ખેડૂતો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.