મોરબી જિલ્લાને મળશે અનેક જનસુખાકારીના પ્રકલ્પોની ભેટ

વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

આગામી તારીખ ૧૨ ના રોજ વર્તમાન સરકારશ્રીના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે જિલ્લામાં થનાર સુખાકારીના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમના આયોજન માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર શ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોને જે તે વિભાગ અંતર્ગત થનાર ખાતમુહૂર્ત તથા લોકાર્પણ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. વધુમાં જિલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના કાર્યક્રમ અન્વયે પણ યોગ્ય આયોજન કરવા સંબંધિતોની સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૨ સપ્ટેમ્બરના રોજ વર્તમાન રાજ્ય સરકારશ્રીને ૧ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે રાજ્યમાં વિવિધ જનસુખાકારીના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે. જે  અન્વયે ૧૨ તથા ૧૩ સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લામાં પણ જનસુખાકારીના ૨૦૦ થી વધુ વિકાસકામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ થનાર છે. જેથી આગામી સમયમાં મોરબી જિલ્લાને અનેક જન કલ્યાણના પ્રકલ્પોની ભેટ મળનાર છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ તથા ઈશિતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદિપ આચાર્ય, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર વાય.એમ. વંકાણી, જિલ્લા આયોજન અધિકારી જીગ્નેશ બગીયા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ તથા મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.