ભેદભાવ દૂર કરવામાં નહીં આવે તો વાલ્મિકી સમાજના સફાઇ કામદારોએ આપીઆત્મવિલોપનની ચીમકી
ચીફ ઓફિસર નો મીડિયા સમક્ષ પ્રથમ તો જવાબ આપવાનો ઇન્કાર બાદ મા જવાબ આપ્યો
વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ નગરપાલિકામાં સફાઇ કામગીરીમાં ભેદભાવ થતો હોવાનો સણસણતા આક્ષેપ સાથે આજે મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના સફાઇ કામદારો નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. જોકે શહેરમાં સફાઇ યોગ્ય રીતે નહીં થતી હોવાની ખુદ નગરપાલિકાના સદસ્યએ જ રજૂઆત કરી હતી. પરંતુ જેનો યોગ્ય નિકાલ નહીં થતા આજે મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના સફાઇ કામદારો ચીફ ઓફિસર સમક્ષ કામગીરીનો ભેદભાવ દૂર કરવા રજૂઆત કરી હતી. અને જો પાલિકા તેમની રજૂઆત સાંભળશે નહીં તો વાલ્મીકી સમાજના સફાઇ કામદારોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
નગરપાલિકામાં સવર્ણ સફાઇ કામદારોને અન્ય કામગીરીમાં ખસેડી ભેદભાવ થતો હોવાની અનેકવાર રજૂઆતો તેમજ ફરિયાદો ઉઠી છે. ત્યારે ફરી એકવાર સફાઇ કામદારોમાં વાલ્મીકી સમાજ અને સવર્ણ સમાજની કામગીરીમાં ભેદભાવ થતો હોવાનું ભૂત ફરી ધૂણી ઉઠ્યું છે. જેમાં આજે મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના સફાઇ કામદારો ચીફ ઓફિસર સમક્ષ રજૂઆતો કરી હતી. જેમાં વાલ્મીકી સમાજના સફાઇ કામદારોએ જણાવ્યું હતું કે, અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નગરપાલિકા ઉણી ઉતરી છે.
જેના પગલે અમે હાલ પુરતી અડધી કામગીરી કરીએ છીએ. હળવદ નગરપાલિકાના સફાઇ કામદારોને પુરતી સાધન સામગ્રી આપવી સહિતની માંગો કરવામાં આવી હતી. અને સફાઇ કામદારોને કોમ્પ્યુટર ઓપરેટર જેવી જવાબદારી સોંપીને કામગીરીમાં ભેદભાવ થતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી.અને જો માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરીએ વાલ્મીકી સમાજના સફાઇ કામદારોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ આ બાબતે નગરપાલિકાના ચીફઓફિસર ઉર્મિલાબેન સુમેસરાને પૂછતા પ્રથમ તો મીડિયા ને જવાબ આપવાનું ટાળ્યું હતું ત્યારે બાદ તેઓએ જણાવ્યું હતું કે સફાઇ કામદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે.