શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મોરબી પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસ સ્થાનેથી, શ્રી ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં અઢારે વર્ણના અને બાવને સમાજના કોરોના સમયમાં દિવંગત થયેલા, આત્માઓના મોક્ષાર્થે, તેમજ મોરબીના નિર્માણમાં જેમનો સિંહ ફાળો રહ્યો છે, તેવા દિવંગગતોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે, આ ભાગવત કથા આયોજન કરવામાં આવ્યું છે. જે પૂજ્ય ભાઈશ્રીની કૃપાએ કરીને, આ લાભ મોરબીની ભક્ત પારાયણ જનતાને પ્રાપ્ત થયો છે. એવું કથા સમિતિના પ્રેસ મીડિયા વિભાગના પ્રભારી વિજયભાઈ લોખીલ વિજયશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે. અને તેઓ વિશેષમાં જણાવે છે કે, “બાલમુકુંદમ્ મનસા સ્મરામી” એ વિશે વધુ કહું તો
“ભોળા હૃદયની સાચી,
શ્રદ્ધા ફળી જશે,
વાટ જુએ છે રાધા,
ઘનશ્યામ મળી જશે”
હરીન્દ્રભાઈ દવેની ભાષામાં કહીએ, તો “માધવ ક્યાંય નથી મધુવનમાં,
પણ મોરબીમાં આજે, ભાઈશ્રીના વ્યાસ સ્થાનેથી, માધવ મોરબીના આંગણે પધારવાનો છે. ભાઈશ્રીના ભક્તિ સભર પ્રેમાળ પોકારથી “દેવકી પરમાનંદમ્ માધવમ” મોરબીના આંગણે કાનાભાઈની “શ્રાદ્ધ શ્રદ્ધા કથા” ને કારણે કરીને પધારવાના છે. પ્રગટ થવાના છે. “કાનાના નિમંત્રણ ને માન આપીને, કાનો પ્રગટ થવાનો છે”
શ્રી કૃષ્ણ કોના ??? ભાગવતના, પુરાણોના, કવિઓના, સાહિત્યકારોના અનેક વિવેચનો છે.
“મેં તો પૂછી પૂછીને લીધો રે,
મેં કૃષ્ણ ઉછીનો લીધો રે,
થોડો નરસિંહ પાસેથી,
થોડો મીરા પાસેથી,
માંગી માંગીને રસ પીધો રે,
થોડો જય દેવે આપ્યો,
થોડો વિદ્યા પતિએ આપ્યો,
દયારામે પણ થોડો દીધો રે,
મેં તો કૃષ્ણ ઉછી નો લીધો રે,
મેં તો પૂછી પૂછીને લીધો રે”
અને ઉછીના કૃષ્ણને હવે કાયમ નિવાસ કરવા માટે મોરબીમાં રોકી લેવા, અને કાયમી સ્થાપિત કરવા માટે, ચાલો આપણે સૌ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞના ચોથા દિવસમાં ભાઈશ્રીના મુખેથી કથા શ્રવણ કરીએ અને કૃષ્ણને એટલે કે કાના ને કાયમ મોરબીનો કરી લઈએ તેઓ વિજય લખીલ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું હતું. અને સૌને કથાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરવા આહવાન કર્યું હતું.
પરમ શાસ્ત્રી ભાઈશ્રી વ્યાસ સ્થાનેથી કથા પ્રારંભે જણાવે છે કે, ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યની તૈયારી છે. આપણે અહીં આ બધું શણગાર્યું છે. તોરણ બાંધીને, રંગોળીઓ કરીને, નિત નવા ફૂલથી શણગાર કર્યો છે. ફુગાવો બાંધ્યા છે. તેમ કુદરતે પણ અહીં આજે વર્ષાઋતુનો શણગાર કર્યો છે. અને જાણે શ્રાવણ મહિનાની કૃષ્ણ જન્માષ્ટમી હોય, એવું વાતાવરણ થયું છે. ગઈકાલે મેં કહ્યું હતું કે, મેઘરાજા કદાચ કાલે સવારે પણ હાજરી પૂરાવશે.
અત્યારે ખાસ કહેવાનું મને મન થાય છે કે, અમુક લોકો કહેતા હોય છે કે, રોજ કથામાં ન આવી શકાય, તો કાંઈ નહીં. પણ કૃષ્ણ જન્મોત્સવના દિવસે તો જરૂર જઈશું. એ રીતે મેઘરાજાને પણ એમ થયું કે, કૃષ્ણ જન્મોત્સવની આપણી પણ હાજરી પુરાવી લઈએ. જ્યારે આવા કોઈ મહત્વના મોંઘેરા મહેમાન આવવાના હોય, ત્યારે આપણે તૈયારીઓ કરવી પડે, સામૈયા તૈયાર કરવા પડે, વિવિધ પ્રકારની તૈયારીઓ કરવા માટે ઉજાગરા કરવા પડે, તેની આગતા-સ્વાગતા કરવી પડે. અને હા ગઈકાલનો કાર્યક્રમ ખૂબ જ જમાવટ ભર્યો કર્યો હતો. મારે આવવું હતું, છતાં ન આવી શક્યો. મને કલાકારોને સાંભળવાનું ગમે.
કાલે તો રાત આખી વરસાદ હતો. અને સવારમાં પણ આજે વરસાદ અવિરતપણે ચાલુ જ છે. આ જળબંબાકાર વરસાદની વચ્ચે પણ, કાર્યકર્તાઓ અવિરત પણે વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે, મહેનત કરી રહ્યા છે. જહેમત ઉઠાવી રહ્યા છે. આ કથામાં જ્ઞાનની અને વિજ્ઞાનની દૃષ્ટિએ પણ ભગવાનની કૃપા છે. તેની પ્રત્યક્ષ હાજરી તેનું પ્રમાણ છે. અને આ તકલીફો વેઠીને પણ જે કાર્યકર્તાઓ મહેનત કરે છે. પરસેવો પાડે છે. તે ઈશ્વરની કૃપાના પાત્ર થાય છે. પ્રભુને આ પરસેવો ખૂબ વહાલો લાગે છે.
ગઈકાલની વરસાદની સ્થિતિ હતી. એટલે હું જાગતો હતો. અને સ્થિતિના સમાચાર મેળવતો હતો. અને આજે સવારે પણ હું અહીં મંડપની સ્થિતિના સમાચારો પૂછતો હતો. અને મને જાણવા મળ્યું કે, આપણા સૌના કાનાભાઈ માત્ર દોઢ કલાક માટે જ અહીં ભાગવત ભગવાનની સન્મુખ જ સુતા હતા. બાકી આખી રાત વ્યવસ્થામાં જાગતા રહ્યા હતા. આ જે ભાવ છે ને તે ભક્તિ છે. આ ભક્તિએ અને શ્રદ્ધાએજ ધર્મને ટકાવી રાખ્યો છે. એટલે આજે બધું ભીનું ભીનું છે. આપણે પણ ભીંજાઈએ, પ્રેમ ભક્તિની વર્ષામાં.
શ્રીમદ્ ભાગવતમાં વ્યાસજી ધર્મની વ્યાખ્યા આપે છે કે, શ્રેષ્ઠ ધર્મ કયો ??? તો પહેલી વાત, ધર્મ વગર મનુષ્ય મનુષ્ય ન રહે. “ધર્મ હિના, પશુ સમાના” ધર્મ વગર મનુષ્ય પશુ સમાન થઈ જાય. અને ધર્મનો એક અર્થ છે મર્યાદા. ધર્મનો એક અર્થ છે કર્તવ્ય. વિધિરૂપ ધર્મ અને નિષેધ રૂપ ધર્મ. ધર્મના આ બે મુખ્ય સ્વરૂપ છે. આ હું ભાગવતના આધારે આપ સૌની સાથે ચર્ચા કરી રહ્યો છું. વિધિરૂપ ધર્મ એટલે, જે કરવા જેવું છે, તે કર્મ કરવું. તે વિધિરૂપ ધર્મ ગણાય. દાન કરવું, જપ કરવા, તીર્થયાત્રા કરવી, ગૌ-બ્રાહ્મણ આદિની સેવા કરવી, ગરીબોની સેવા કરવી, એ વિધિ રૂપ ધર્મ છે. નિષેધ રૂપ ધર્મ એટલે, ચોરી ન કરવી, ખોટું ન બોલવું, હરામનું ન ખાવું, પાપ ન કરવું, વ્યસન અને વ્યભિચાર ના શિકાર ન થવું, આદિ-આદિ.
દરેક ધર્મમાં આ જ વાત છે. “ડુઝ અને ડોન્ટ” શું કરવું ??? અને શું ન કરવું. રુચિરૂપ ધર્મ સરખી રીતે સમજાય એના માટે કારમાં એક્સક્યુ લેટરનું કામ કરે છે. જેમાં લીવર દબાવો અને ગાડી આગળ વધે, સ્પીડ પકડે, ગતિ કરે, ધર્મની આ ગાડી આપણને ક્યાં લઈ જાય છે ??? કલ્યાણ તરફ…… ભગવાન તરફ….. મુક્તિ તરફ…… મોક્ષ તરફ…… ઉધ્વગતિ તરફ……. એટલે તેમાં ગતિ પણ આવવી જોઈએ. લીવર દબાવો એટલે કે, વિધિરૂપ ધર્મનું આચરણ કરો. પૂજા, પાઠ, દાન, ધર્મ, તીર્થયાત્રા, આ બધું સાધન ભજન કરો. અને કારમાં બ્રેક પણ હોય છે. જો બ્રેક ન હોય, તો અકસ્માત થઈ શકે. કેમકે અમુક કર્મો કરવાથી આપણી જાતને આપણે રોકીએ, સંયમ રાખીએ, તે બ્રેક છે. નિષેધ રૂપ ધર્મ. તમારી સામે એવી લાલચ આવે કે, લાખો અને કરોડો તમને દેખાતા હોય, અથવા તો કોઈ એવી લાલચ સામે આવે કે, તમને જેનાથી ખૂબ મોટો ફાયદો થવાનો હોય, પણ જો એ અધર્મ રૂપ હોય, એ હું ન કરું. અને જો તમારી પાસે સંયમની બ્રેક હોય, તેને કહેવાય નિષેધરૂપ ધર્મ. તો આપણે સૌ આ વિધિ ધર્મ અને નિષેધ ધર્મ પ્રમાણે વર્તીએ અને સન માર્ગે વળીએ.
ભગવાન શ્રીકૃષ્ણ ભાગવતની અંદર કહે છે કે, તમે દેવતાઓની આરાધના કરો, દેવતાઓની પૂજા કરો, દેવોને ઉન્નત કરો. તમારા યજ્ઞોથી, તમારી આરાધનાથી, તમારી ભક્તિથી પ્રસન્ન થયેલા દેવતાઓ, તમને ઇચ્છિત ધર્મ પ્રદાન કરશે. પરસ્પર સદભાવ પૂર્વક, તમે બધા પરમશ્રેયની પ્રાપ્તિ કરો. એવું ભગવાન કહે છે.
દેવો દ્વારા પ્રાપ્ત ભોગોને, પાછા દેવો માટે અર્પણ કર્યા વિના, એટલે કે યજ્ઞ કર્યા વિના, જે એકલા ભોગવે છે. માત્ર પોતાના માટે ભોગવે છે. પોતાનું જ પેટ ભરે છે. પોતાનું જ ઘર ભરે છે. અને માત્ર પોતાના સ્વાર્થ માટે જીવે છે. અને ફરીથી કહું, આ બધું ગીતા કહે છે. હું નથી કહેતો. પણ આપણી મુશ્કેલી એ છે કે, આપણા ધર્મગ્રંથો, પવિત્ર ગ્રંથો, આપણે વાંચવા નથી. અને એ અનુસાર ચાલવું પણ નથી. પણ આપણે ધાર્મિક છીએ એવું કહેવડાવવું છે.
આપણે હિન્દુ છીએ, પણ ભાગવત ગીતાના કેટલા અધ્યાય છે ??? એ આપણને ખબર નથી. આપણે આપણા ધર્મગ્રંથોની કેટલી ઉપેક્ષા કરીએ છીએ ??? ભગવાન ભગવત ગીતામાં કહે છે. અને આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે. વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવત ગીતાનો રોજ પાઠ કરો. “ગેયમ ગીતા નામ સહસ્ત્રમ” આ બે ગાવા યોગ્ય છે. ભગવાન શ્રી હરિ નું ધ્યાન કરો. એ ધ્યાન કરવા યોગ્ય છે.
જીવને સંતોના અને મહાપુરુષોના સંગમાં રાખો. અને જે દીન છે, ગરીબ છે, શોષિત છે, પીડિત છે, વંચિત છે, તેને વિત્ત આપો. ચિત સંતોને અને વિત એટલે કે અર્થ દીન જનોને આપો. સંતોને તમારા રૂપિયાની બહુ જરૂર નથી. અને તમે આપો, તે પણ તે તમારા માટે એટલે કે, સમાજ માટે વાપરી નાખતા હોય છે. કેમકે સંતોને પોતાની કોઈ વધુ જરૂરિયાત હોતી જ નથી. તમે ગાડીમાં ફેરવો તો ગાડીમાં ફરે. તમે સારા બંગલામાં ઉતારો આપો, તો તે ત્યાં રહે. અને ક્યારેક નીચે સૂવાનો વારો આવે, તો નીચે એટલે કે, હેઠે સૂઈ જાય. તમે તમારી ગાડીમાં, તમારી ઘરે પધરામણી કરવા માટે, કોઈ સંત મહાત્માને લાવો. ત્યારે લોકો જોઈને એમ કહે કે, જુઓ તો કેવા જલસા છે. કહેવાય સાધુ, પણ જુઓ તો ખરા મર્સીડીશ ગાડીમાં ફરે છે. પણ તમે સમજો તો ખરા, મર્સિડીઝ એની પોતાની ગાડી થોડી છે. ગાડી કોઇક ની, લાવવા વાળો કોક, બંગલો કોકનો, પણ બાપજી મારે આંગણે પધારો, એવો ભાવ પ્રગટ કરે, એટલે બાપજી એની ગાડીમાં બિરાજે, અને એ ગાડીમાં બેઠેલા જોઈને, રસ્તામાં ઉભેલા ફાલતું નાસ્તિક લોકોની ગાળો ખાતા જાય કે, જુઓ તો સાધુ મહાત્મા થઈ ગયા, તોએ ગાડીનો મોહ છૂટતો નથી. ગાડીમાં ફરે છે. જલસા છે. જુઓ તો ખરા જમાવટ.
આપણા વ્યવહારોમાં, આપણા વિચારોમાં, ખારાસપણું વધતું જાય છે. અંતે આ દુઃખી થવાની નિશાની છે. યાદ રાખજો. પોતાના ચિત્ત ને ઈશ્વર ભક્તિમાં વાળો. કોઈના હિતમાં વાપરો. કોઈને મદદ કરવામાં વાપરો. અને સતત ઈશ્વરનો અને સદગુરુનો આભાર માનીને જીવો તો ધન્ય ધન્ય થઈ જશો. જીવન સાર્થક થઈ જશે.
કેવટે શ્રી રામચંદ્રના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. અને નૌકામાંથી ઉતરતી વખતે ભગવાન શ્રીરામને સંકોચ થયો કે, મેં આને કશું આપ્યું નહીં. પોતાના પતિના હૈયાના ભાવને સમજનારી પત્ની, એવા પતિવ્રતા માતા સીતાજીએ, જે મણિ મુદ્રિકા પહેરી હતી. એટલે કે અંગૂઠી, કાઠીયાવાડી ભાષામાં કહીએ તો વીંટી, પોતાની આંગળી માંથી કાઢીને, ભગવાન શ્રીરામને આપી કે, લ્યો પ્રભુ આ કેવટને આપો. ત્યારે ભગવાન રામ કેવટને કહે છે, લ્યો કેવટ, આ ઉત્તરાયને લો. “કહેવું કૃપાલ લેહુ ઉતરાઈ” આટલું કહેતાની સાથે જ કેવટે ભગવાનના ચરણને પકડી લીધા “કેવટ ગહે ચરણ અકુલાઈ” અકુલાઈ, એટલે કે ઓકડાઈને કહે છે કે, મેં તો સમ ખાતા હતા કે, હું ઉતરાઈ નહીં લઉં. અને પ્રભુ મને ઉતરાઈ આપે છે. હવે મારું બોલેલું વેણ નહી ટકે.
જ્યારે ભગવાન પોતે આપતા હોય, અને આપણે ભગવાનને આપવાની ના પાડીએ, એ અવિવેક કહેવાય. અને આજુબાજુ ઉભેલા લોકો પણ ઘણી વખત કહેતા હોય છે કે, પ્રસાદ કહેવાય લઈ લો. હવે એ પ્રસાદ કરીને રાખી લેવામાં, પોતાનું ઓલું વેણ કે હું ઉતરાઈ નહીં લઉં, એ અડગ તેના ચિતની સામે ઊભું છે. જોજો હો પ્રેમની ઊંચાઈ. આનું નામ કહેવાય ભક્તિ. પ્રેમ પ્રગટ કરાવે, તેનું નામ ધર્મ. જેના ઉપરથી આ ચર્ચા ચાલે છે.
ભગવાન અને કેવટના પ્રસંગમાં ભક્તની શ્રદ્ધા અને ભક્તિની પરાકાષ્ઠા ના દર્શન થાય છે. રામ આપવા માંગે છે. “કહેવું કૃપાલ લહેવું ઉતરાઈ” કેવટ કહી ચૂક્યો છે, મને ઉતરાય નથી જોઈતી. અને એ આપતી વખતે મને આપના સોગંદ. આપના પિતાજીના સોગંદ લીધા છે. તે ખોટા પડે, જો ઉતરાઈ લઈ લે તો. કેમકે એણે રામના સોગંદ ખાધા છે. રામના પિતા દશરથના સોગંદ ખાધા છે.
નહિતર ઘણી વખત કેવું થાય કે, અંતે સામેનો વ્યક્તિ એવું કહે કે, લ્યો અત્યારે તમે બહુ કહો છો, તો હું લઈ લઉં છું. બાકી મારે જોઈતું ન હતું. રામાયણ તો મર્યાદા નો ગ્રંથ છે. કેવટ વ્યાકુલ હો ગયા. ભગવાન રામ કે ચરણ કો પકડ લીયા. “કેવટ ચરણ ગહે અકુલાઈ” શરણાગતિ કેમકે, આ ધર્મશંકટ થયું પ્રભુ. જો લઈ લઉં, તો પ્રતિજ્ઞા ભંગ થાય. ન લવ તો નાથ આપની આજ્ઞાની અવજ્ઞા થાય. માટે ધર્મશંકટ થયું. હવે તો જો તમે બચાવો, તો બચીએ આ ધર્મશંકટમાંથી.
આપણે ત્યાં તો રામાયણના ઘણા બધા ચિંતકો થયા છે. જે રામાયણના ભાવોને કેવી સરસ રીતે પ્રપટ કરે છે. સૌએ કદાચ નામ સાંભળ્યું હોય કે, ન સાંભળ્યું હોય. પરમ પંડિત રામકીંકરજી મહારાજ. કેટલું બધું ચિંતન કર્યું છે રામચરિત માનસ ઉપર. ડોક્ટર શ્રીનાથજી શાસ્ત્રીજી, ડોક્ટર શ્રીનાથજી મિશ્રા, કાશી અને એવા કેટલાય વક્તાઓ, અયોધ્યામાં લક્ષ્મણ શિલાધિશજી મહારાજ વગેરે જેવા કેટ-કેટલા પ્રખર રામાયણી મહાપુરુષો રસપ્રદ વિવેચનો અને અર્થો કરી ચૂક્યા છે. “માનસ પિયુષ”ના તો કેટલા બધા વોલ્યુમ છે. એટલે કે કેટલા બધા ભાગમાં એ વિસ્તરાયેલ મહાગ્રંથ છે કે, જેમાં અનેક પ્રખર રામાયણી, સંત- મહાપુરુષોએ પોતાના ભાવો પ્રગટ કર્યા છે. એવા-એવા પ્રસંગ વર્ણવામાં આવ્યો છે કે, શા માટે કેવટે રામના ચરણ પકડી લીધા.
તો કેવટ એ એ ગંગાનું માછલું છે. ગંગા કિનારે રહે છે. અને ઘણી વખત માછલી પકડનારાઓ કેડ સમાણા ગંગાના પાણીમાં ઊભા રહીને, આમ કરીને મોટી માછલી પકડવાની ઝાળને બિછાવે, એટલે દૂરના માછલા હોય, અને લાલચ વાળા હોય, કંઈક ખાવાની મનસા વાળા હોય, તે તેમાં જલ્દીથી ફસાઈ જાય. અને જેને લાલચ ન હોય, અને પેલા જે માછીમારો ના પગ ની આજુબાજુ જ આંટા મારતા હોય, એ ઝાળમાં ક્યારેય ફસાઈ નહીં. એટલે લાલચ વગરના કેવટે ભગવાનના પગ પકડી લીધા. એટલે આ માયારૂપી ઝાળ હતી. તેમાં કેવટ ફસાયો નહીં. કેમકે ભગવાને કહ્યું છે કે, જે મારા શરણે આવે છે, તે માયાથી તરે છે. માયામાં ફસાતો નથી.
અને છેલ્લે કેવટ કહે છે કે “નાથ કાહ આજ મેં ન પાવા” મારા પ્રભુ, હે નાથ. આજે મને શું નથી મળ્યું ??? આજે હું ધન્ય થયો. “મીટે દોષ, દૂઃખ, દારિદ્ર, દાવા” આજ મારા બધા દુઃખ, દોષ, દરિદ્રતા, મનઃતાપ (મનહતાપ) સંતાપ, બધું જ ગયું. હવે આ કેવટને દરિદ્ર કહેવાની કોણ હિંમત કરે કે, જ્યાં ભગવાન રામ પોતે જઈને હાથ લંબાવતા હોય. દુનિયાનો નાથ હાથ લંબાવતો હોય. એટલે કે માંગે અને કહે કે, હે ભાઈ, હે કેવટ આ નૌકા તારી છે ??? અને ત્યારે કેવટ કહે કે, હા પ્રભુ. તો ભગવાન રામ કહે કે, જરા અમને નદીયા પાર કરાવ ને. આ પ્રસંગમાં રામે માંગ્યું છે. એ યાદ રાખજો. જેનો સાથ, સપોર્ટ સ્વયં રામે માંગ્યો હોય. રામે જેની મદદ માંગી હોય, અને માંગવું જ પડે ને, કેમ કે પૈસા તો હતા જ નહીં. તો આપણને એમ થાય કે, પૈસા કેમ નથી ??? કેમ કે ભગવાન રામનો તાપસ વેશ છે. તપસ્વીનો વેશ છે.
આપણે સૌ જાણીએ છીએ કે, તપસ્વીની વેશભૂષામાં ખિસ્સાને ક્યાંય સ્થાન નથી. તેથી કેવટ કહેતો હતો કે, હું ઉતરાય નહિ લવ. અને તમે આપી શકો તેમ પણ નથી. અને આવું જ્યારે કહેવામાં આવ્યું હતું. ત્યારે ભગવાન લક્ષ્મણને ખૂબ ગુસ્સો આવ્યો હતો. કે હે કેવટ બોલવામાં ધ્યાન રાખ. અમે ચક્રવર્તી રાજા દશરથના સંતાનો છીએ. એલા તારી ઉતરાય ન આપી શકીએ ??? ત્યારે કેવટે કહ્યું હતું કે, નાના પ્રભુ તમારામાં બધી પ્રકારની ક્ષમતા છે. પરંતુ તમારી અત્યારની જે પરિસ્થિતિ છે. તે પ્રમાણે તમે મને કશું આપી શકો એમ નથી.
અને અંતે આ ધર્મશંકટમાંથી બચવા માટે કેવટ કહે છે કે, પ્રભુ કાયમ ગંગાના કિનારે હું રહું છું, છતાં મને અધમ કહેવામાં આવે છે. તો આ અધમ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય, એવા આશીર્વાદ આપો. આ પ્રસંગમાં કહેવાનો તાત્પર્ય એવો છે કે, કોઈપણ સમાજમાં, કોઈપણ વર્ણ કે જ્ઞાતિમાં જન્મ્યા હોઈએ, પણ નિષ્ઠાથી ભગવાનની ભક્તિ કરવામાં આવે, તો એ પ્રભુ આપણે આંગણે એક વાર જરૂર આવે છે. અને આપણને જન્મો-જન્મ ધટમાળ માંથી મોક્ષ આપે છે. જન્મ મરણની ઘટમાળમાંથી મુક્તિ આપે છે. અને આપણે માયામાં તણાતા નથી.
ભગવાનના અવતારનું કારણ ભગવાનની ભક્તિ છે. ભક્તોને માટે ભગવાન આવે છે.
“પરિત્રાણાય સાધુનામ,
વિનાશાય દુષક્રીતામ”
ભગવાન સાધુના પરીત્રાણ માટે આવે છે. અને “વિનાશાય દુષ્ક્રીતામ” દુષ્ટોના વિનાશ માટે તો પછી. પ્રથમ લક્ષ્ય સાધુ માટે પૃથ્વી પર આવે છે. ગાયો માટે, ભક્તો માટે, સંતો માટે, ધરતી પર વધી રહેલા પાપોના વિનાશ ને માટે, ભગવાન અવતરિત થાય છે. ધરતી માટે, બ્રાહ્મણો માટે, ગાયોને માટે, દેવતાઓને માટે, દેવતાઓ માટે એટલે કે સમાજમાં દૈવિક ગુણોનો પ્રસ્થાપન કરવા માટે, ઈશ્વર આવે છે. જીવન મૂલ્યોના પ્રતિષ્ઠાન માટે ઈશ્વર આવે છે. અને સમયે-સમયે પૃથ્વી પર આવતા રહે છે. અને એવી લીલા કરે છે. એવા કાર્યો કરે છે કે, જેનાથી અવતાર કાર્યનું પ્રયોજન સિદ્ધ થાય છે. આવા ભગવાનના ચોવીસ અવતારની કથા ભાગવતમાં છે. આમ તો અવતાર જોવા જઈએ, તો અસંખ્ય છે. પણ તેમાં ચોવીસ અવતાર મુખ્ય છે. અને તેમાંથી પણ દસ અવતાર, જેને આપણે દશાઅવતા કહીએ છીએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અને દરેક અવતાર આપણા જીવન ઘડતર માટે, અને આપણા લક્ષ્ય પ્રત્યેના અનુસંધાનને સુદ્રઢ કરવા માટે છે. એવું ભાઈ શ્રી એ કથામાં જણાવ્યું હતું. અને અવતાર દર્શનને, પોતાના જીવનમાં, અને વ્યવહારમાં કઈ રીતે શ્રદ્ધા સાથે સંમેલિત કરી શકાય, તે અંગે પણ વિસ્તૃત વિવેચન કર્યું હતું.
આપણે ત્યાં શબ્દો છે, જનતા જનાર્દન. જનતા એ ભગવાનનું સ્વરૂપ છે. ક્યારેક જનતા જનાર્દન અધુરો અર્થ કાઢીને મનમાં ગાંઠ વાળતા હોય છે. જ્યારે ઘણી વખત એ જનતા જનાર્દન સારા વિષય ને ધ્યાન પર આવતા, તેને ઉચ્ચ કક્ષાએ પણ પહોંચાડી દેતા હોય છે. માટે જ ઈશ્વરને જનાર્દન એટલે કે ઈશ્વર કહેવામાં આવ્યો છે. પણ ઘણી વખત આ જનતા જનાર્દનને કોઈ ખોટી રીતે વિષય પ્રસ્તુત કરીને, તેનો ખોટો ઉપયોગ પણ કરી લેતા હોય છે. પણ સમયાંતરે સત્ય વાત પણ બહાર આવ્યા વિના રહેતી નથી. અને એ જનતા જનાર્દન ત્યારે એ વાતને સાચા અર્થમાં, પ્રત્યેક લોકો સુધી પહોંચાડતી હોય છે. અને માટે જ ફરી એકવાર કહું તો, જનતા જનાર્દન છે.
નારદ મુનિએ પણ ઘણી વખત લોકહિત અને માટે શિવ અને શામળિયાને સામસામે કરી દીધા છે. ભાગવતમાં આવી કથા છે. યાદ રહે નારદ ભી એક અવતાર હૈ. ચોથા અવતારે ભગવાન નર-નારાયણ બન્યા છે. જે સન્યાસીઓ માટેનો અવતાર છે. પાંચમા આવતા રે ભગવાન કપિલ બનીને અવતરીયા છે. એ અવતારમાં તેમને શંખ શાસ્ત્ર દર્શનનો મહિમા કર્યો છે. કૃપા કરીને હિન્દુઓ થોડી જાણકારી રાખો. પૂર્વ મીમાંસા અને ઉત્તરમીમાંસા થઈને છએ દર્શનના આચાર્ય જુદા જુદા છે. જેમાં સાંખ્યા અવતારના ભગવાન કપિલ છે. તે રીતે અવતાર નો મહિમા પણ આપણા જીવનમાં ઉતારવા જેવો છે. અને કે દરેક દર્શન અલૌકિક છે. નિત્ય નવમ નવમ દર્શન.
અત્યારે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે, “ઉધાર લિયો પણ ઘી પીવો” અને અગાઉ આવો એક શ્લોક પણ છે કે, “દેવુ કરો પણ ઘી પીવો” આ શરીર ટકાવો. કેમ કે એક વખત શરીર રાખ થઈ જશે. પછી બીજું કશું છે નહીં. આપણે ત્યાં આવું પણ એક દર્શન છે. એટલે અત્યારે આવું ચાલે છે. લોકો દેવું કરે છે. બેન્ક પાસેથી લોનો લે છે. હા ઉદ્યોગપતિઓ લોન લે, તેમને વંદન. એમને જરૂરી છે. કેમ કે અન્ય લોકોને રોજગારી આપે છે. પણ વિના કારણે લોન લઈને, દેવું ન કરવું ન જોઈએ. કેમકે બેંકની લોનો ને પછી ચૂકવવી પણ પડતી હોય છે. અને બેંકમાં સામાન્ય માણસના પૈસા મુકાયેલા હોય છે. તેમની થાપણો, પૈસા સ્વરૂપે બેંકોમાં પડી હોય છે. તે પૈસા જ બેંક તમને લોન પેટે આપે છે. એ ન ભૂલવું જોઈએ. એ ચારવક મુનીનું પોતાનું દર્શન છે કે, દેણું કરો પણ ઘી પીઓ. આ નિરીશ્વર દર્શન છે. વિચારધારા, ફિલોસોફી.
આપણી પાસે આવા મોટા મોટા વિચારકો થયા છે. વિચારકોએ અંતે તો માનવના કલ્યાણ માટે ચિંતન કર્યું છે. જેમને જે જ્ઞાન પ્રાપ્ત થયું, જે જણાયું, જે સમજાયું, તે તેમણે કહ્યું છે. ભલે આપણે ઋષિ ચાર્વાકને આપણે સ્વીકાર્યા નહીં. પણ સાંભળ્યા જરૂર. ઋષિ ચારવાકને આપણે બોલવા દીધા, અને એમને આપણે સાંભળ્યા પણ ખરા. આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે. ક્યારેક કોઈ વિપરીત વિચારધારા પ્રસ્તુત કરે, તો તેને રોકવાનો કે, અટકાવવાનો આપણને અધિકાર નથી. અને એ આપણી સંસ્કૃતિ પણ નથી. ભારતીય બંધારણીય વ્યવસ્થાએ પણ, વાણી સ્વાતંત્ર્ય આપ્યું છે. હા એ વાણીસ્વાતંત્ર્યના અધિકાર નો સદુપયોગ, એક સજ્જન નાગરિક તરીકે કરવાની આપણી ફરજ છે. એ આપણું કર્તવ્ય છે. ત્યારે ચારવાકને કોઈએ ધમકી નહોતી આપી.
વિશાળ વૈચારિક સમૃદ્ધિ ધરાવતો આપણો હિન્દુ સમાજને, અમુક સમયે કોઈ વાત બુદ્ધિમાં નથી ઉતરતી. એટલે ચારવાક ઋષિનું આપણે ત્યાં દર્શન ન ચાલ્યું. હા પણ આપણા જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક ચારવાર્ક ઋષિને ફોલો કરીએ છીએ. એ પણ સત્ય હકીકત છે. પણ આપણી શ્રદ્ધા ઈશ્વરમાં ટકી રહી છે. ધર્મમાં ટકી રહી છે. આપણી શ્રદ્ધા પરલોકમાં પણ છે. અને આપણી શ્રદ્ધા પુનર જન્મમાં પણ છે. અને ઘણી વખત ભાગવત ચર્ચા દરમિયાન મેં આવા વિષયો કથામાં કહેલા છે. અને સૌ સમુદાયને સારી વાત શીખવી છે. અને હું પોતે પણ શીખું છું. સારા સંતો પાસેથી, સારા ગ્રંથો પાસેથી, મારા ગુરુઓ પાસેથી. અને જે શીખું છું, તે સૌને વહેંચું છું. એટલે કે સૌને વિતરણ કરું છું. જેમ આપણા શરીરમાં પંચ પ્રાણ છે. તેમ સનાતન ધર્મમાં પણ પંચ પ્રાણ છે. સનાતન ધર્મમાં પંચ દેવો છે. સૂર્ય, દેવી, શિવ, વિષ્ણુ, ગણપતિ આ પંચદેવ છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં પંચદેવની વાત કરી છે. અને હું તો સહજાનંદ સ્વામીએ જે વાત કરી છે, તે જ કહું છું. અને હું જેટલી શ્રદ્ધાથી ભગવાન આદિ શંકરાચાર્ય ની વાણી બોલું છું. તેટલી શ્રદ્ધાથી સહજાનંદ સ્વામીની વાણી પણ બોલું છું.
જેમાં પાંચે દેવોની આરાધના વિશે વિધાન કહ્યું છે. શ્લોક નંબર મને યાદ નથી કે ચોર્યાસી કે પંચ્યાસી, એ આપ સંતો સારી રીતે જાણતા હોય. હું આપને શું કહું. પણ પંચદેવ ઉપાસનાની વાત આપણા સનાતન ધર્મમાં છે. એ રીતે સનાતન ધર્મમાં પાંચ પ્રાણ છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન આ પાંચ પ્રાણ છે. એવી જ રીતે પાંચ મહાભૂતથી આપણું શરીર બનેલું છે. આકાશ, વાયુ, તેજ(અગ્નિ), જળ અને પૃથ્વી આ પાંચ વસ્તુ થી સનાતન ધર્મ સાચા અર્થમાં સનાતન ધર્મ છે. આપણા ઘરે શીરો બનાવવો હોય, તો રવો પણ જોઈએ, ઘી જોઈએ અને સાંકરે જોઈએ. તો જ શીરો બને. એ જ રીતે સનાતન ધર્મમાં આ પાંચ પ્રાણ છે. અને આ પાંચેય તત્વો હોય, ત્યારે સનાતન ધર્મનું કલેવર તૈયાર થયું છે.
આ બધું એટલા માટે કહું છું કે, તમે સમજદાર વર્ગ ના લોકો સામે બેઠા છો. નહિતર આ રગિયું ગાડુ દોડતું-દોડતું, ક્યારેય જીવન પૂરું થઈ જાય, તે નક્કી નથી. માટે જ કહ્યું છે કે,
“જો ઘડી જાય સત્સંગમેં,
જીવન કા સોઈ”
અને માટે જે કીધું છે કે,
“જબ તક રહેગી જિંદગી,
ખુરસદ ના રહેગી કામશે,
કુછ તો વક્ત એસા નિકાલો,
કી પ્યાર કરલો રામસે”
“એક ઘડી આધિ ઘડી,
આધીમે પુનિઆધ,
તુલસી સંગત સાધુ કી,
ઘટે કોટી અપરાધ”
જે વ્યક્તિએ જીવનમાં સત્સંગ કર્યો હશે, તેની અંદર વિવેક અવશ્ય આવ્યો હશે. કેમકે સત્સંગ વિના વિવેક ન આવે. ક્યારેક સિલેબસમાં કોઈ વસ્તુ સમજાવાની રહી જાય. ત્યારે શિક્ષક એમ કહે કે, હું સંક્ષિપ્તમાં તો સંક્ષિપ્તમાં તમને સમજાવી દઈશ. અને જેટલું સમજાવીશ તેમાં તમને પુરા માર્કસ આવશે. પણ છેલ્લે એવું તો જરૂર કહે કે, જો ન સમજાયું હોય, તો હજી પણ આપ કાંઈ પણ પૂછી શકો છો. જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. તે રીતે ચાર વર્ણો પર પણ છે. પણ હું અત્યારે અહીંયા વ્યાસપીઠ પર બેઠો છું. ત્યારે મારે એ વાત કરવાની છે. પણ એ વાતમાં જાતિ ભેદ નથી. માત્ર વર્ણ વ્યવસ્થા ની વાત છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં ભેદ શેનો. જ્યાં જ્ઞાન હોય ત્યાં દ્વેતબુદ્ધિ ન હોય. ત્યાં વિવાદ ન હોય. ત્યાં ક્રોધ ન હોય.
“નમૈં મૃત્યુ સંકા,
નમૈં જાતી ભેદા:”
સમાજના દરેક લોકો આ વિરાટ ભગવાનના અંગ સ્વરૂપ છે. સમગ્ર સમાજના લોકોને વિરાટ ભગવાનના સ્વરૂપની સમાન જોવા જોઈએ. માટે જ મેં હમણાં કહ્યું તેમ, જનતા જનાર્દન. બધા જ ઈશ્વરના અંશ છે. જાતિભેદ ન હોવો જોઈએ.
બોલવું સહેલું નથી. મને ઘણી વખત પ્રોફેસરો મળે. ત્યારે કહે કે, અમે પિસ્તાલીસ મિનિટનો પિરિયડ પૂરો કરીએ, એટલે અમને પાણી પીવા જોઈએ. થોડોક વિશ્રામ કરવા જોઈએ. અને આપ સળંગ છ-છ કલાક સુધી અવિરત બોલો છો. આવું કઈ રીતે બને ??? અને અમે તો પગાર મેળવીએ છીએ. આવું કરવા માટે. પણ આપને શું મળે ??? ત્યારે હું કહું કે, મને પ્રેમ મળે. અમને આ વૈષ્ણવોનો પ્રેમ મળે. અને વાત છે છ કલાકની, તો એ હવે અભ્યાસ થઈ ગયો છે. વર્ષોથી આ સેવામાં છીએ એટલે. પણ મહેનત તો કરવી પડે. મહેનત વગરનું નહીં ખાવાનું. પુરુષાર્થ વગર કશું જ નહીં. કોઈનું લૂટો લેવું, છીનવી લેવું એ તો અધર્મ છે જ. પણ જે વગર મહેનતે મળે, એ પણ અનીતિનું છે.
મને અહીં મોરબીમાં ડોંગરે બાપજીનું વારંવાર સ્મરણ થાય છે. કેમકે અહીં મોરબીમાં પણ ડોંગરેજી મહારાજની કથા થયેલી છે. મને એક સમયે તો, પૂરુ એક અઠવાડિયું, તેમની સાથે રહેવાનો લાભ પ્રાપ્ત થયેલો. નીચે જમીન પર બેસીને, પલોઠી વાળીને, સંપૂર્ણ ભાગવત કથા સાંભળવા નો લાભ મને પ્રાપ્ત થયો છે. બાપજીની સામે બેસીને તેમનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું છે. અને તેમના આશીર્વાદ પણ મને પ્રાપ્ત થયા છે. બાપજી ની બધી જ વાતો અદભુત છે. તેમના દ્રષ્ટાંતો પણ અદભુત હતા.
તેઓ એક અદ્રષ્ટાંત કહેતા, રંકા અને બંકાનું બંને પતિ પત્ની હતા. ખૂબ ગરીબ હતા. પણ ભગવાનના અનન્ય ભક્ત હતા. કથા, કીર્તન, ધુન, ભજન સતત કરતા રહેતા. આર્થિક સ્થિતિ દારૂણ હતી. તેમાં એક વખત એક ગામથી બીજા ગામ ચાલીને જતા હોય છે. નિર્જન રસ્તા પર પસાર થઈ રહ્યા છે. ત્યારે આગળ જતા પતિને રસ્તાના વચ્ચે, કોઈનો સોનાનો હાર પડી ગયેલો દેખાયો. ત્યારે એમ થયું કે, લાગે છે કોઈ સજ્જનનો હાર પડી ગયો છે. પણ હવે આ નિર્જન સ્થળે હું ક્યાં ગોતવા જાવ.
અને આની જગ્યાએ જો, આપણે હોઈએ તો, જોજો ઘણી વખત એવું થાય કે, આ આપણે ક્યાં કોઈનું છીનવી લીધું છે. ભગવાનની કૃપાએ કરીને આપણને આપ્યું છે. અને આપણે લઈ લેતા હોઈએ છીએ. પણ આ પતિ દેવને તે હાર તરફ ધ્યાન જતા, તેની પર ધૂળ વાળી દેવાનો વિચાર કર્યો. કેમકે પાછળ આવતી તેની પત્નીનું કદાચ ધ્યાન જાય. અને લાલચ થાય. તેના કરતાં તે સોનાના હાર ઉપર પગ વડે ધૂળ નાખવા લાગ્યો. ત્યાં જ પાછળ ચાલ્યા આવતી તેની પત્ની ત્યાં પહોંચી ગઈ. જેને માથા ઉપર પોટલું ઉપાડ્યું છે. તેણે આવીને આ દ્રશ્ય જોયું અને કહ્યું કે, “હે પતિદેવ, તમે આ ધૂળ ઉપર ધુળ શા માટે નાખી રહ્યા છો ??? હવે વિચાર તો કરો. પોતાના પતિનેતો એટલો વિચાર પણ આવ્યો કે, આ મારી પત્નીને વિચાર આવશે. અને લઈ લેશે. પણ પત્ની તો તેનાથી એક ડગલું આગળ હતી. અને તેને એ સોનાની વસ્તુને ધૂળ સમાન ગણી “પર ધન ધૂરી સમાન” ગણતી હતી. ત્યારે પતિએ કહ્યું કે, તારી બુદ્ધિ તો મારા કરતાં પણ આગળ છે. અને મેં નાહકની તારા પર શંકા કરી.
કથા એતો વહાલા શ્રોતાજનો સંસ્કારોની ખેતી છે. કથા દ્વારા મૂલ્યોની પ્રતિષ્ઠા વ્યક્તિમાં અને સમાજમાં થાય, તે ખૂબ જરૂરી છે. મનુષ્ય….. મનુષ્ય બને છે અને ભાગવતમાં પ્રવેશે છે. એ ભક્તિને લઈને ભાગવતમાં પ્રવેશ થાય છે. ભગવાન ભક્તિને કારણે તો, ગજેન્દ્ર ઉપર પણ પ્રસન્ન થયા. ભગવાન આપણા ભાવમાં રહે છે. અને મેં હમણાં કહ્યું, તેમ ભગવાન અવતરે છે. ભક્તો માટે. અને આ રીતે આપણી પણ ભક્તિ દ્રઢ થાય અને આ રીતે વિવિધ પ્રસંગો દ્વારા, મોરબીની ભક્ત વત્સલ, ભક્ત પારાયણ, સત્સંગ પ્રેમી જનતાને ખૂબ આનંદ થયો. અને ભાઈ શ્રી એ કહ્યું કે, મને પણ આપ સૌની સન્મુખ પ્રસંગો કહેવાનો આનંદ થાય છે. આ રીતે બધા જ પ્રસંગોને, સંક્ષિપ્તમાં લખવાનો પ્રયાસ કથા સમિતિના પ્રેસ મીડિયા વિભાગના પ્રભારી વિજયભાઈ લોખીલ વિજયશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ. જે અત્રે ઉપસ્થિત છે. આ પ્રસંગો વાંચવા જોઈએ. જેથી કથામાં સાંભળેલા પ્રસંગો ફરીથી વાંચવાથી, એ કંઠસ્થ થઈ જશે. અને આપણા જીવનમાં ઉતરશે.