મોરબીના જવાહર નવોદય વિદ્યાલયમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ

મોરબી જિલ્લાની કોઠારિયા સ્થિત આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં હાલ ધોરણ 6 થી 9 ના કુલ 260 વિદ્યાર્થીઓની હાજરીમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ ગઇ. ભગવાન બુદ્ધે આપેલી વિપશ્યના સાધના અંતર્ગત આનાપાન અને મૈત્રી સાધનાના અભ્યાસનું ખૂબ મહત્વ છે. બાળકો માટે સ્પેશિયલ આ કાર્યક્રમ ડિઝાઈન કરી મંત્રો અને પ્રાણાયામની સાથે બાળકો અને શિક્ષકો જોડાયા હતા.

” મન હોય તો માળવે જવાય” પણ મન ભટકતું હોય તો કાઈ જ ના થાય.જવાહર નવોદય વિદ્યાલયમાં સાંજના રમણીય વાતાવરણમાં બાળકોની એકાગ્ર શક્તિ વધે, મન મસ્તિક ફળદ્રુપ બને અને સ્વને ઓળખે તેમજ કાર્ય શક્તિમાં વધારો થાય તે ઉદ્દેશ્યથી આ યોગ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું. પી.ટી. ટીચર ચંદ્રિકા મેડમે સુંદર રીતે વિપશ્યના સાધનાનો પરિચય આપ્યો હતો.

જેમાં મુખ્ય વાહક તરીકે લેખક કવિ વિપસી સાધક એવા શૈલેષભાઈ કાલરીયાએ યોગ ગુરુની સુંદર ભૂમિકા ભજવી અને બાળકોને પ્રેરણા મળે તેવી વાચન અને ધ્યાનની બે વાત મૂકી હતી. સૌએ એક નવો જ શાંતિનો અનુભવ કર્યો અને કાયમી 10 મિનિટ અભ્યાસ કરવાનો સંકલ્પ લીધો. આ શિબિરના આયોજન માટે દિલીપભાઈ બારૈયા અને ભરતભાઈ બોપલિયાએ જહેમત ઉઠાવી હતી. શિબિર માટે જરૂરી વ્યવસ્થા શાળાના આચાર્ય પટેલ સર અને સાથી શિક્ષકમિત્રો કરી હતી.