જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ સોસાયટીની બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલેસ કેડેટ યોજના અન્વયે જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મોરબી સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ચાલતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત મોરબી જિલ્લાની ૭ શાળાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી રહી છે.
વધુમાં તેમણે સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના શું છે તે અંગેની માહિતી આપતાં જણાવ્યું કે ધોરણ – ૮ અને ૯ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે આદર, શિસ્ત, સામાજિક અનિષ્ઠો સામે પ્રતિકાર, સારા ચારિત્ર્યનું નિર્માણ, તેમજ બાળકોમાં રહેલા જન્મજાત ગુણો તથા સામર્થ્યને શોધી તેનો વિકાસ કરવામાં મદદરૂપ બનશે તેમજ બાળકોમાં પોલીસ નેતાગીરીના ગુણો પણ ખીલશે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક – એક શાળાની પસંદગી કરી પ્રત્યેક શાળામાં ૨૨ વિદ્યાર્થીઓ અને ૨૨ વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવનાર છે.
પસંદગી થયેલી શાળાઓ અને વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે શાળા કક્ષાએ બે S.P.C. તથા શારીરિક તાલીમ અને નિયમીતતા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા ડ્રિલ ઇન્સ્ટ્રક્ટરની નિમણૂંક પણ કરવામાં આવી છે તેવું શ્રી રાહુલ ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી નાયબ પોલીસ અધિક્ષક એમ.આઇ. પઠાણ તેમજ અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.