ટંકારા : વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટક તેમજ કોમિકમાં 27 લાખનો ફાળો થયો

સંકલ્પ અમારી ગાય કતલખાને નહીં જાય

ટંકારાના વિરપર ગામે ગામડાના સેવાભાવી ગૌસેવક મિત્ર મંડળ દ્વારા પોતાના ગામડાની ગાય ક્યારેય કતલખાને નહી જાય તેવા સંકલ્પ સાથે ગામડામા ૨૩ વર્ષ પૂર્વે કામધેનુ ગૌ આશ્રમ શરૂ કરવામા આવેલ છે. અહીંયા આશ્રિત લુલી લંગડી અને નધણીયાતા ગૌધનને નિભાવવા માટે ગામડાના યુવાનો દર વર્ષે નવરાત્રી દરમિયાન નાટકો ભજવી ફંડફાળો એકઠો કરીને સરાહનીય સેવા કરે છે. ગૌસેવા કાજે શરૂ કરાયેલી ઐતિહાસિક નાટકો ભજવવાની પરંપરા મુજબ આ વખતે “બાવો ધૂંધળીનાથ યાને અમર નગરી ઢાંક” નાટક યોજાયેલ અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક ‘ભીખુડાનું ઘરઘેણું’ રજુ કરવામાં આવ્યું હતું. નાટક તેમજ કોમિક નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનોને ઉપસ્થિત રહ્યા હતા

મજાની વાત તો એ છે કે, ગૌ માતાની ચાકરી અને જતન માટે યોજાતા પૌરાણિક ધાર્મિક ગ્રંથો અને ઈતિહાસની કથા પ્રમાણેના નાટકોમા પાત્રો પણ સ્વયં સેવકો ખૂદ વ્યવસાયે નટ ન હોવા છતા બખૂબી ભજવી પોતાની કલાના જોરે દર્શકોને ભરપુર આનંદ પિરસી સ્વૈચ્છિક સખાવત કરવા રીઝવી દાતાઓની દિલેરીથી ફંડ એકઠુ કરે છે. આ વખતે એક બાદ એક દાનની સરવાણી વરસાવી હતી. જ્યાં એક જ રાતમાં પ્રેક્ષકો તરફથી કુલ રૂ.૨૭,૫૬,૦૦૦ના ફાળાનું અનુદાન પ્રાપ્ત થયું સંપૂર્ણ રકમને ગૌશાળાના લાભાર્થે ખર્ચવામાં આવશે.

અહીં હાલ ૧૧૮ જેટલી લુલી લંગડી અને નધણીયાતી ગાયો આશ્રય લઈ રહી છે. ગૌ સેવા માટે કદી ક્યાંય હાથ લંબાવ્યા વગર વર્ષમા એક વખત નવરાત્રી દરમિયાન ધાર્મિક ગ્રંથો અને ઈતિહાસની કથા મુજબના ઐતિહાસિક નાટકો યોજી ગામડાના યુવાનો કામધંધા છોડી એકાદ માસ સુધી પાત્રના રિહર્સલ કરી તૈયારી કરે છે. આયોજકે જણાવેલ કે આવેલ દાન સંપૂર્ણ ગૌશાળાના લાભાર્થે ખર્ચવામાં આવશે.